અમદાવાદમાં સાબરમતી આશ્રમે હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે, અહીં કબા ગાંધીનાં ડેલાની પણ મુલાકાત લેશે: સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાની જોવાતી રાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત તા.૧૭નાં રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ આગામી ૨ ઓકટોબરે ગાંધી જયંતીનાં રોજ ફરી ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમે હાજરી આપ્યા બાદ રાજકોટની મુલાકાતે પધારવાનાં છે. અહીં તેઓનાં હસ્તે એઈમ્સનું ખાતમુહૂર્ત અને સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે. સાથો સાથ તેઓ જયાં ગાંધીજીનું બાળપણ વિત્યું છે તે કબા ગાંધીનાં ડેલાની પણ મુલાકાત લેવાના છે. હાલ વડાપ્રધાનનાં સતાવાર કાર્યક્રમની રાહ જોવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત તા.૧૭નાં રોજ તેઓનાં જન્મદિવસે ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ કેવડીયા ખાતે નર્મદા નીરનાં વધામણા કર્યા હતા સાથો સાથ અમદાવાદમાં માતા હીરાબા સાથે બપોરનું ભોજન લીધું હતું. હવે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ ઓકટોબરે ગાંધી જયંતીનાં રોજ ગુજરાત પધારવાના છે. સૌપ્રથમ તેઓ અમદાવાદ ખાતે સાબરમતી કિનારે આવેલા ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભામાં હાજરી આપવાના છે ત્યારબાદ તેઓ ત્યાંથી રાજકોટ આવી પહોંચશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે પરાપીપળીયા નજીક નિર્માણ પામનાર એઈમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. સાથોસાથ નવનિર્મિત સિવિલ હોસ્પિટલની લોકાર્પણવિધિ પણ તેઓનાં હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીનું જયાં બાળપણ વિત્યું છે તે કબા ગાંધીનાં ડેલાની મુલાકાત પણ લેવાના છે તેવું જાણવા મળ્યું છે.
રાજકોટની ભાગોળે પરાપીપળીયા પાસે ૨૦૦ એકર જમીનમાં એઈમ્સને મંજુરી મળી છે. બાંધકામ શરૂ કર્યા પૂર્વેની મોટાભાગની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી એઈમ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થાય તેની રાહ જોવામાં આવી રહી હતી. અંતે સૌરાષ્ટ્રનાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનનાર આ એઈમ્સ સંકુલનું ખાતમુહૂર્ત આગામી ૨ ઓકટોબરે ગાંધી જયંતીનાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થવા જઈ રહ્યું છે. આ સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલને અદ્યતન બનાવવામાં આવી છે. અહીં ૨૩૮ પથારીની સુપર સ્પેશ્યાલીસ્ટ તેમજ ૫૦૦ પથારીની મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ટેકનોલોજીથી ભરપુર ઓપરેશન થીયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત હોસ્પિટલ રૂા.૧૫૦ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેમાં મીડવાઈફરી એલઈડી કેર, એસએનસીયુ સહિતની અનેકવિધ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ થવાની છે. આ હોસ્પિટલનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ૨ ઓકટોબરે લોકાર્પણ થવાનું છે.
હાલ સુધી વડાપ્રધાનનાં સતાવાર કાર્યક્રમ અંગે રાજકોટ જિલ્લા વહિવટી તંત્રને જાણ થઈ નથી પરંતુ ટુંક સમયમાં પીએમઓ કાર્યાલય તરફથી આ અંગેનો સતાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૨ ઓકટોબરે ગાંધી જયંતીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટની મુલાકાતથી સમગ્ર રાજકોટ વધુ એક વખત મોદીમય બની જવાનું છે.