હાલ દેશમાં ઇ-વ્હીકલની સંખ્યા 20 લાખ, ઓટોમોબાઇલ ક્ષેત્રને રૂપિયા 7.8 લાખ કરોડથી વધારી 5 વર્ષમાં રૂપિયા 15 લાખ કરોડનું કદ આપવાના પ્રયાસો

ઇ-વ્હીકલ વર્તમાન સમયની માંગ બની છે. અત્યારે દેશમાં 20 લાખ ઇ- વ્હીકલ છે. હવે વર્ષ 2030 સુધીમાં દેશમાં ઇ-વ્હીકલની સંખ્યા બે કરોડે પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે. આ સાથે  ઓટોમોબાઇલ ઉદ્યોગ જે રૂ. 7.8 લાખ કરોડનો છે તેને પાંચ વર્ષમાં રૂ. 15 લાખ કરોડનો ઉદ્યોગ બનાવવાનું લક્ષ્ય છે. તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું છે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને લઇ માહિતી આપતા કહ્યું છે કે, વર્ષ 2030 સુધીમાં દેશભરમાં બે કરોડથી વધુ ઈલેક્ટ્રીક વાહનો તૈયાર થઇ શકે છે.  અત્યારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા કેટલી ઝડપથી વધી રહી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે, સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું કે આજે દેશમાં 20.8 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે. 2021 ની સરખામણીમાં, 1 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો તૈયાર થયા છે અને તેમાં 300 ટકાનો વધારો થયો છે. જેમાં તેમણે કહ્યું કે, અંદાજ મુજબ 2030 સુધીમાં બે કરોડથી વધુ વાહનો હશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 4.5 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે અને આવનારા સમયમાં તેમની સંખ્યા પણ વધશે, જેનાથી 10 લાખ નોકરીઓનું પણ સર્જન થશે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ રૂ. 7.8 લાખ કરોડનો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગે ચાર કરોડ નોકરીઓ પૂરી પાડી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો માત્ર ઓટોમોબાઈલ ઉદ્યોગમાંથી મહત્તમ જીએસટી મેળવે છે. મારો ઉદ્દેશ્ય આ રૂ. 7.8 લાખ કરોડના ઉદ્યોગને પાંચ વર્ષમાં રૂ. 15 લાખ કરોડનો ઉદ્યોગ બનાવવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.