રાજ્યના તમામ જિલ્લાઓમાં તંત્રએ શરૂ કરી ઝુંબેશ
૧૮મી સુધી વિવિધ બેંકો દ્વારા કેમ્પો યોજાશે ત્યારબાદ તલાટીઓ અને ગ્રામસેવકો ગામે ગામ ફરીને કોઈ ખેડૂત યોજનાના લાભથી વંચિત નથી રહેતો તે ચકાસશે
પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ હવે પરિવાર દીઠ કાઢી આપવાના સરકારના નિર્ણય બાદ તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રએ પુરજોશમાં ઝુંબેશ શરૂ કરી છે. હાલ રાજ્યમાં ૨૮,૨૫,૬૯૨ ખેડૂતો પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા નથી. તેઓને પીએમ કિસાન ક્રેડિટ આપવા માટે ૧૮મી સુધી વિવિધ બેંકોમાં કેમ્પ યોજાનાર છે. ત્યારબાદ સરકારી કર્મચારીઓ ગામે ગામ જઈને પણ કામગીરી હાથ ધરશે અને ૨૩મી સુધીમાં તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક સરકાર દ્વારા જાહેર કરાયો છે.
સરકાર દ્વારા પીએમ કિસાન લાભાર્થીઓ માટે રાહતવાળી સંસ્થાકીય ધિરાણની સાર્વત્રિક પ્રવેશની સુવિધા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પીએમ કિસાન લાભાર્થીઓને રાહતવાળા સંસ્થાકીય ધિરાણનો લાભ મેળવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવા માટેની સુવિધા બેંક મારફતે ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજનામાં અત્યાર સુધી ખાતા દીઠ ખેડૂતોને લાભ અપાતો હતો. તેના બદલે પરિવાર દીઠ આ લાભ હવેથી ઉપબલ્ધ કરાશે. આ યોજનાનો લાભ હવેથી પશુ પાલકો, મત્સય ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતોને પણ મળશે. જે ખેડૂતો કેસીસી ધારક છે અને પશુપાલન અને મત્સય ઉદ્યોગ પ્રવૃતિ કરે છે તે વધારાની મર્યાદાની મંજૂરી માટે બેંક શાખામાં સંપર્ક કરી શકે છે પ્રોસેંસિગ, દસ્તાવેજી કરણ, નિરિક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ તેમજ રૂપિયા ૩ લાખ સુધીની કેસીસી લોન માટેના અન્ય સર્વિસ ચાર્જ સહિતના તમામ ચાર્જ માફ કરાયા છે.
બેંક શાખાઓને પીએમ કિસાન લાભાર્થીઓની સૂચિ તૈયાર કરવાની સુચના આપાઈ છે. જેમની પાસે કેસીસી નથી તેઓ પણ કેસીસીનો લાભ હવેથી મેળવી શકશે. કેસીસીનો લાભ મેળવવા માટે પીએમ કિસાન લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ પરથી સંબંધિત બેંક શાખાની મુલાકાત લેવા માટે એસ.એમ.એસ મોકલવામાં આવી રહ્યા છે. પીએમ કિસાન લાભાર્થીઓને કેસીસી માટે મંજૂરી આપવામાં આવી છે. અને તેનો લાભ મેળવવા માટે જમીનના દસ્તાવેજોની એક નકલ, વાવેલા પાકની વિગતો સાથે એક પાનાનો સંપૂર્ણ વિગત ભરેલ ફોર્મ સાથે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે. પીએમ કિસાન લાભાર્થીઓને કેસીસી હેઠળના કવરેજ માટે એક પાનાનો સરળ ફોર્મ વિકસાવાયું છે.
સમગ્ર રાજ્યમાં ૨૮,૨૫,૬૯૨ લોકોના કાર્ડ કાઢવાના બાકી છે. બાકી રહેલા લાભાર્થીઓને ૨૩મી ફેબ્રુઆરી સુધીમાં કાર્ડ કાઢી આપવામાં આવનાર છે. ૧૮મી સુધીમા વિવિધ બેંકોમાં કેમ્પો રાખવામાં આવશે. ત્યારબાદ તલાટીઓ તેમજ ગ્રામસેવકો ગામે ગામ કોઈ ખેડૂત બાકી રહી જતા નથી તે ચકાસશે અને જો કોઈ ખેડૂત બાકી હશે તો તેને આ યોજનાનો લાભ અપાવશે. આમ ૨૩મી સુધીમાં પીએમ કિસાન ક્રેડિટ કાર્ડની કામગીરી સંપૂર્ણ રીતે પુરી કરી દેવામાં આવશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને કોઈ પણ જાતની ગેરેન્ટી વગર રૂા. ૧.૬૦ લાખની લોન મળશે
પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ ઉઠાવી રહેલા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે. સરકારે આ યોજના સાથે દુર્ઘટના વીમો અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ જોડી દીધો છે. ભારત સરકારે પીએમ કિસાન સન્માન યોજના સાથે જોડાયેલા તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. દેશમાં હાલમાં ૭ કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ થયા છે. સરકાર ધિરાણની રકમ એ કિસાન ક્રેડિટ મારફતે આપતી હોય છે. બજેટમાં કૃષિક્ષેત્ર માટે ૧૫ લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવાઈ છે. દર વર્ષે સરકાર ખેડૂતો માટે ધિરાણની રકમમાં મોટો વધારો કરી રહી છે. આ સાથે ખેડૂતો માટે અધિકત્તમ ૪ ટકાના વ્યાજના દરે પાક, પશુ અને મત્સ્યપાલન માટે અલ્પકાલિન લોન અપાશે. રાજ્યમાં પીએમ કિસાન યોજનાનો લાભ લેનાર ખેડૂતોમાં ૨૦ લાખ ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ નથી. ખેડૂતો માટે આ યોજના સિવાય પણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ પણ લાભ આપવાનો નિર્ણય લેવાતાં એક સાથે એક જ યોજના સાથે ૩ યોજનાઓ જોડાઈ ગઈ છે.
આ યોજના હેઠળ ખેડૂતોને ૧૨ રૂપિયા અને ૩૩૦ રૂપિયાના પ્રીમિયમ પર ૨ લાખનો દુર્ઘટના વીમો અને જીવન વીમો ઉપલબ્ધ કરાવાશે. આ યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના ૧.૬૦ લાખની લોન મળશે, જેનું વ્યાજદર માત્ર ૪ ટકા હશે. સરકારનું લક્ષ્યાંક ૧૦ કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું છે. અત્યારસુધી ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાની મર્યાદા એક લાખ રૂપિયા સુધી હતી. જેમાં ૬૦ હજારનો વધારો કરાયો છે. અત્યારસુધી બેંકો કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને આપવામાં બહાનાં કાઢતી હતી. હવે તેમની પાસે પણ કોઈ વિકલ્પ નહીં બચે.