અગાઉ સરેરાશ ૨ કિલોમીટરના નિર્માણકાર્ય સામે આજે ૩૮ કિમીનું નિર્માણકાર્ય દૈનિક ધોરણે પૂર્ણ થાય છે: નીતિન ગડકરી
દેશમાં રાષ્ટ્રીય મહામાર્ગના નિર્માણનું કાર્ય તેજ ગતિથી ચાલી રહ્યું છે ત્યારે આગામી ત્રણ વર્ષમાં જ આપણે અમેરિકાના સ્ટાન્ડર્ડના માર્ગો બનાવી શકીશું. એક સમય હતો જયારે આપણે એક દિવસમાં માત્ર બે કિલોમીટર રસ્તો બનાવી શકતા હતા અને આજે એક દિવસમાં ૩૮ કિલોમીટરનો રસ્તો બનાવવા સક્ષમ છીએ તેમ કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
નીતિન ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ દેશના વિકાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે ત્યારે દેશમાં દૈનિક ધોરણે દરરોજ ૧૦૦ કિલોમીટર લાંબા હાઇવે નિર્માણ થાય તેવો મારો લક્ષ્યાંક છે. સીઆઇઆઈની વર્ચ્યુલ મિટિંગના સંબોધનમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કાર્યમાં વિલંબ અને નિર્ણયમાં સમયસૂચકતાનો અભાવ આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે જેને દૂર કરવાની છે.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમાં વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહેલા ગડકરીએ માર્ગ નિર્માણના કામની માહિતી આપતા કહ્યું હતું કે લોકાર્પણના કામ કરાયા તેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ અંતર્ગત ડીસામાં એલિવેટેડ કોરિડોર બનાવાયો છે. ભારત માલા પરિયોજના હેઠળ ૨૫,૩૧૭ કરોડ રૂપિયાના ૧૦૮૦ કિલોમીટરના રસ્તાના કાર્યોનો પ્રારંભ ગુજરાતમાં થયો છે જે આ વર્ષે જ પૂર્ણ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે મુંબઈ-દિલ્હી માર્ગ પૂર્ણ રૂપે ચાલુ થઇ જતા માત્ર ૧૨ કલાકમાં જ મુંબઈથી દિલ્હી પહોંચી જવાશે. આ હાઇવે પૈકીનો જે માર્ગ ગુજરાતના ભાગે આવે છે તેમાં ૮ લેનનો વડોદરાથી મુંબઈ વચ્ચેનો ૪૨૫ કિમીનો ૨૫,૦૦૦ કરોડના સંભવિત ખર્ચના હાઈ-વેનું નિર્માણ પ્રગતિમાં છે. સીએમ રૂપાણીના આગ્રહથી ૧૦૯ કિમીનો ધોલેરા-અમદાવાદ હાઇવે અને અમિતભાઇ શાહના અનુરોધથી જેતપુર-ભાવનગર-સોમનાથના જંક્શન ઉપર ફ્લાય ઓવરનું નિર્માણ કરવાની ડિઝાઇન તૈયાર થઇ ચૂકી છે.
રાજ્યની વાત કરવામાં આવે તો સાંચોર-અમદાવાદ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ ૨૧૦ કિમી હાઈ-વેનું નિર્માણ કાર્ય થનારું છે. તે સિવાય જેતપુર-રાજકોટ ૬૫ કિમીનો છ માર્ગ હાઇવેને મંજૂરી આપી દેવામાં આવી છે. ૧૨૦ કિમીનો સાંતલપુર-સામખિયાળી છ માર્ગીય હાઇવે,૨૯૦ કિમીનો બોડેલી-વાપી ગ્રીન ફિલ્ડ ચાર માર્ગ, ધાનેરા-ડીસા વચ્ચેનો ૩૪ કિમીનો માર્ગ, સુરત-નાસિક-અમદાવાદનો આશરે ૧૨૮ કિમીનો ગ્રીનફિલ્ડ માર્ગનું કાર્ય નિર્માણાધિન છે.