રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડી.વી.મહેતા ફરી નિયુક્તી: મહામંત્રી તરીકે પરિમલ પરડવા અને પુસ્કર રાવલ પણ રિપીટ
અવધેશ કાનગડ અને ડી.કે વાડોદરિયા ઉપપ્રમુખ તરીકે સતત 4 વર્ષે ચૂંટાયા, સુદીપભાઈ મહેતા પણ ઉપપ્રમુખ તરીકે નિમાયા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સાધારણ સભામાં રાજકોટ જિલ્લાની 400 ખાનગી શાળાના સંચાલકો રહ્યા હાજર:શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા સંસ્થાએ વેબસાઈટ લોન્ચ કરી: રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા કાલાવડ રોડ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાઈ હતી. આ સભામાં રાજકોટ જિલ્લાની 400 ખાનગી શાળાના સંચાલકો હાજર રહ્યા હતા અનેગત વર્ષનું સરવૈયુ રજૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આગામી શૈક્ષણિક ક્ષેત્રમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કયા પ્રકારની કામગીરી કરશે તે અંગે પણ અવલોકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોળકિયા સ્કૂલ તરફથી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, જતીનભાઈ ભરાડ, અવધેશભાઈ કાનગડ, ડી.કે વાડોદરિયા અજયભાઈ પટેલ સહિત રાજકોટની પ્રતિષ્ઠિત સ્વ નિર્ભર શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને ગત વર્ષે ડીવી મહેતા દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને પરિણામ સ્વરૂપે આગામી વર્ષ માટે પણ તેઓને અને તેમની ટીમને ફરી રિપીટ કરવામાં આવ્યા હતા. એટલુંજ નહીં અવધેશ કાંગડ અને ડી.કે વાડોદરિયા ઉપપ્રમુખ તરીકે સતત 4 વર્ષથી ચૂંટાયા જ્યારે સુદીપભાઈ મહેતા પણ ઉપપ્રમુખ તરીકે નિમાયા હતા.
દર વર્ષની માફક આ વર્ષની વાર્ષિક સાધારણ સભા ટી. વી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાર્ડી વિદ્યાપીઠ, કાલાવડ રોડ, આણંદપર, છાપરા ખાતે યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં હાલના હોદેદારો દ્વારા ગત વર્ષના કાર્યોનુ સરવૈયુ રજૂ કરવામાં આવ્યું હતું સાથોસાથ શૈક્ષણિક વર્ષ 2023-24માં મંડળ દ્વારા કરવામાં આવનાર શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થી, શિક્ષક, શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટેના કાર્યો નક્કી કરવામાં આવ્યા હતા.બીજી તરફ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સમગ્ર રાજ્યમાં પોતાની આગ વિશેયલીમાં જે રીતે કામ કરી રહ્યું છે તે અંગે સંસ્થા ની કામગીરી ને વર્ણવવામાં આવી હતી અને આવનારા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલવારી કરવાનો જે નિર્ણય લીધેલો છે તેમાં શાળા સંચાલકોને કોઈ પણ પ્રકારની અગવડતા નો સામનો ન કરવો પડે તે અંગે જતીનભાઈ ભરાડ દ્વારા તેઓને અવગત અને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. પ્રસંગે સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળેલ ડી.વી મહેતાએ જણાવ્યું હતું કે,શિક્ષણના ઉત્કર્ષ માટે કામ કરવું એજ મંડળનો લક્ષ્ય છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લાની 150થી વધુ શાળાનું 90 ટકાથી વધુ પરિણામ આવવું તે મંડળની સફળતા છે. પરિણામ સ્વરૂપે રાજકોટ સ્વનિર્ભળ શાળા સંચાલક મંડળને 2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા .
મંડળ દ્વારા ચાલુ એટલે કે નવા શૈક્ષણિક ક્ષેત્રમાં કરવામાં આવનાર કામગીરીની રૂપરેખા
– શિક્ષકોને શિક્ષિત કરવા માટે માટે પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરાશે જેમાં સ્ટેટ અને સીબીએસઇ બોર્ડના શિક્ષકોને તાલીમ અપાશે. 16 જુલાઈથી પ્રથમ વર્ગ શરૂ
– વિદ્યાર્થીની મનોસ્થિતિ સમજવા અને તે મુજબ તેનું ઘડતર કરવા ચાઈલ્ડ સાઇકોલોજી વિષય ઉપર ટ્રેનિંગ અપાશે
– મોબાઈલ લાઈબ્રેરી અને મોબાઈલ ટોયસ લાઈબ્રેરી ઉભી કરાશે, દરેક ઝોનમાં સપ્તાહમાં એક વાર બસ ફરશે
– રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે વોકેસનલ ટ્રેનિંગ ધો.6,7 અને 8 માટે શરૂ કરાશે જેના અનુસંધાને આવતા મહિનાથી ગારડી વિદ્યાપીઠ ખાતે શરૂ થશે ટ્રેનિંગ
– વોકેસનલ ટ્રેનિંગ શરૂ કરવામાં સમગ્ર રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ ઇતિહાસ રચશે
– ૠ20ની જેમ ઢ20 કાર્યક્રમનું આયોજન કરી બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તર પર થતી કુટનીતિ અંગે માહિતગાર કરાશે
– શિક્ષકદિન નિમિત્તે શિક્ષકોની સાથે પ્રથમ વાર આચાર્યનું સન્માન સમારોહ યોજાશે
– દરેક વિધાર્થીઓ માટે ફ્રી બ્લડગૃપિંગ કાર્યક્રમ યોજવામાં આવશે
– વેબસાઈટ લોન્ચ કરાતા ,દરેક શાળાને તેમની પ્રવૃત્તિ ઉજાગર કરવા જગ્યા અપાશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરનાર ગુજરાત બનશે પ્રથમ રાજ્ય : જતિનભાઈ ભરાડ
ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા ચાલક મહામંડળના જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં રાજકોટનું સ્થાન સર્વોપરી છે. પરિણામ સ્વરૂપે મહામંડળમાં મહત્વના 7 હોદ્દાઓ રાજકોટને મળેલા છે. એટલુંજ નહીં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંચાલકોને કોઈપણ પ્રકારની કરવું પડે શિક્ષણનીતિનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે અને આ નીતિ આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જશે.
અમારી ટીમને રિપીટ કરવા બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું: ડી.વી.મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતાએ જણાવ્યું કે,સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લોએ ફરી એક વખત અમારા શિરે જવાબદારી શોપી છે.ત્યારે અમે હવે નવા પ્રકલ્પો સાથે શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરશું ટીચર ટ્રેનિંગ,વોકેશનલ ટ્રેનિંગ સહિતના અનેકવિધ કાર્યક્રમ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.અમારી ટીમને ફરી રિપીટ કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું.અમે એપ્લિકેશનને પણ લોન્ચ કરી છે.જેનો વાલી,વિદ્યાર્થીઓ શિક્ષકો તમામને લાભ મળશે.નવા વિઝન સાથે હવે કાર્ય કરવાની શરૂઆત આવનારા દિવસોથી કરવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શિક્ષણમાં કંઈક નવું ક્રિયેટિવ, ઇનોવેટિવ કરવા કટિબંધ છે.