એઇમ્સમાં થોડા સમયમાં હવે આઇપીડી સેવા શરૂ થવાની છે.જેને પગલે કેન્દ્રના અગ્રસચિવ અને સંયુક્ત સચિવની ટિમ તમામ વ્યવસ્થાઓ ચકાસશે. બાદમાં જાન્યુઆરીના અંતમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ ઘડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
કેન્દ્રના અગ્રસચિવ અને સંયુક્ત સચિવની ટિમ તમામ વ્યવસ્થાઓ ચકાસશે, જાન્યુઆરીના અંતમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવાય તેવી શકયતા
રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક આવેલી એઇમ્સ હોસ્પીટલમાં ઓપીડી સેવા છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. હવે એઇમ્સમાં આઇપીડી સેવા શરૂ કરવામાં આવનાર છે. રાજકોટની એઇમ્સ હોસ્પીટલમાં નવા ચાર ઓપરેશન થિયેટર બનીને તૈયાર થઈ ગયા છે. આ હોસ્પીટલમાં 250 બેડ રાખવામાં આવ્યા છે. નજીવા દરે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ અહીં એઇમ્સમાં સારવાર લઈ શકશે. ગંભીર પ્રકારના રોગો અને ઓપરેશન માટે થોડા દિવસ બાદ સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી નહીં જવું પડે. ખાસ વાત એ છે કે, આમાં 25 રૂપિયા દાખલ ચાર્જ છે અને એક દિવસનું બેડનું ભાડું ફક્ત રૂપિયા 35 રાખવામાં આવ્યુ છે.
એઇમ્સની કામગીરીને લઈને દિલ્હીથી અગ્ર સચિવ અને સંયુક્ત સચિવની ટિમ આગામી અઠવાડિયે અહીં આવવાની છે. આ ટિમ એઇમ્સની કામગિરીની સમીક્ષા કરશે. વધૂમાં કલેકટર પણ આવતા અઠવાડિયે એઇમ્સની સમીક્ષા કરવાના છે. જેમાં હિટિંગ વેન્ટિલેશન સેન્ટર, ગેસની પાઇપલાઇન, 180 કરોડના સાધનોની સમીક્ષા થશે.વધુમાં એઇમ્સમાં 5 ટાવર છે તેમાંથી 3 ટાવર એ, બી, ઇ માંથી એ અને બીમાં 90 ટકા કામ થઈ ગયું છે. તેના નીચેના માળે 250 બેડની હોસ્પિટલ શરૂ કરવાના છે. ઉપરના માળમાં ઇન્ટિરિયર વર્ક ચાલુ છે. બાકીના બે ટાવરનું 60 ટકા કામ થયું છે.
એઇમ્સમાં એક્ઝિક્યુટિવ ઓફિસરની જગ્યા મંજુર કરવા સરકારમાં કલેકટરની દરખાસ્ત
આઇપીડી સેવા શરૂ થયા બાદ એઇમ્સમાં સૌરાષ્ટ્રભરના લોકો આવવાના છે. ત્યારે ડાયિંગ ડેકલેરેશન સહિતની કામગીરી માટે એક્ઝિક્યુટિવ ઓફિસરની જગ્યા મંજુર કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ ઓફિસરની જગ્યા છે. જેથી કલેકટર તંત્રના અન્ય અધિકારીઓ ઉપર કામનું ભારણ ન રહે.
એકાદ સપ્તાહમાં ફાયર એનઓસી મળી જશે
પ્રાપ્ત વિગતો અનુસાર એઇમ્સમાં આવેલ આયુષ બિલ્ડીંગ, ગેસ્ટ હાઉસ અને નાના 4 બીજા બિલ્ડીંગની ફાયર વિભાગે સમીક્ષા કરી લીધી છે. ગઈકાલે ત્યાં પમ્પ હાઉસ પણ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ ખામી સામે આવી નથી. તમામ વ્યવસ્થા બરાબર હોવાનું ધ્યાને આવ્યુ છે. હવે એકાદ સપ્તાહમાં ફાયર એનઓસી મળી જશે.