એઇમ્સ ટેલિમેડિકલ સેવાને એક વર્ષ પૂર્ણ
સૌરાષ્ટ્ર-ગુજરાતના 4ર હજાર દર્દીઓએ મેળવ્યું સુપર સ્પેશ્યિાલિસ્ટ ડોકટર્સનું માર્ગદર્શન
એઇમ્સ એટલે તજજ્ઞ ડોક્ટર્સ દ્વારા સમયબદ્ધ ઉત્કૃષ્ટ સારવાર મળવાનો ભરોસો. આ આશા માત્ર રાજકોટવાસીઓમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોમાં ધબકી રહી છે, જેને પરિપૂર્ણ કરવા રાજકોટ નજીક નિર્માણાધીન એઈમ્સ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. એઇમ્સની વિવિધ આરોગ્ય સેવાના ભાગરૂપે જરૂરિયાતમંદ દર્દીને ઘર બેઠા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સના માર્ગદર્શનની સવલત ટેલિમેડીસીન સર્વિસ થકી મળી રહી છે.
રાજકોટ એઈમ્સ ખાતે ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ ઈ-સંજીવની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ આંક 42 હજારને વટાવી ચુક્યો હોવાનું એઇમ્સના એક્સઝીક્યુટીવ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું. અને ઉમેર્યું હતું કે, અમારી સાથે આરોગ્ય વિભાગ હેઠળના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રાયમરી અને સેક્ધડરી હેલ્થ સેન્ટર સહીત 8,087 સેન્ટર જોડાયેલા છે. અહીં દર્દીને ડોક્ટર ટુ ડોક્ટર માર્ગદર્શન મળે છે, જેનો 34,311 લોકોએ લાભ લીધો છે. આ ઉપરાંત 7,724 લોકોએ સીધા જ ફોન કોલ દ્વારા વિશેષ માર્ગદર્શન મેળવ્યું છે.
ટેલિમેડીસીન સેવાના લાભો
ટેલિમેડીસીન સેવા અંગે વિશેષ માહિતી આપતા ડેપ્યુટી ડિરેક્ટર શ્રી પુનિત અરોરા જણાવે છે કે, ટેલિમેડીસીન સેવા નિ:શુલ્ક છે, જેનો લાભ ઘર બેઠા તેમજ નજીકના વેલનેસ સેન્ટર ખાતેથી મેળવી શકાય છે. સમયની બચત કેવી રીતે થાય છે તે અંગે શ્રી અરોરા જણાવે છે કે, ફોન પર જ ડોક્ટર તમારી તકલીફની વિગતો જાણી જરૂરી રીપોર્ટ્સ કરવા જણાવે છે. રીપોર્ટ્સ પણ ઓનલાઇન સબમિટ કરવાના હોવાથી દર્દીનો ધક્કો પણ બચે છે. ત્યારબાદ ડોક્ટર્સ જરૂરી નિદાન અને સારવાર અંગે જણાવે છે. આમ એક્સપર્ટ્સ ડોકટર્સ માત્ર જરૂરી હોય તેટલા જ રીપોર્ટ્સ તેમજ ગાઈડલાઈન મુજબ દવાનું પ્રિસ્ક્રિપ્શન આપે છે. જેથી દર્દીને ખર્ચમાં પણ બચત થાય છે. દર્દીઓને ફોલોઅપ માટે- પણ ઓનલાઇન માર્ગદર્શન મળી રહે છે.
એઇમ્સ ખાતે ઉપલબ્ધ સારવાર વિભાગ
એઇમ્સ ખાતે સોમવારથી શનિવાર રોજ જુદા જુદા વિભાગો પૈકી સામાન્ય દવા, ચામડીના રોગો, સ્ત્રીરોગ અને પ્રસુતિ, શ્વાસ સંબંધી રોગ, બાળ રોગ, કાન, નાક, ગળા, હાડકા, દાંત, માનસિક રોગ સહિતના વિભાગની સેવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત એઇમ્સ ખાતે ડી-એડીક્શન વિભાગ એટલે કે વિવિધ નશાની લત લાગેલા વ્યક્તિને છુટકારો મળી રહે તે માટે કાઉન્સેલિંગ અને દવાની સેવા પણ શરુ કરવામાં આવી છે.
રાજકોટ એઇમ્સ ઓ.પી.ડી. બાદ ઇન્ડોર સેવા ટૂંક સમયમાં શરુ કરવા જઈ રહી છે. ત્યારે ઈ-સંજીવની સેવા ખુબ અસરકારક રીતે આગળ વધી રહી છે. જેનો લાભ રાજકોટ ઉપરાંત ભાવનગર, જામનગર, દ્વારકા, અમરેલી, મોરબી સહિત દક્ષિણ ગુજરાતના લોકો પણ લઇ રહયા છે, અને સારૂં સ્વાસ્થ્ય મેળવી એઈમ્સના નામને સાર્થક કરી રહ્યા છે.
ટેલિમેડીસીન સેવાનો કોણે લાભ લેવો જોઈએ?
ટેલિમેડીસીનના નોડલ અધિકારી ડો. કૃપાલ જોશી આ અંગે ખાસ વિનંતી કરતા જણાવે છે કે, આ સેવા ખુબ જ વ્યસ્ત ડોક્ટર્સની ટીમ પુરી પાડે છે. સામાન્ય તાવ, શરદી કે અન્ય બીમારી માટે નહીં પરંતુ લાંબી બીમારી, બીપી. ડાયાબિટીસ, હૃદયરોગ સહિતના ગંભીર કેસમાં એક્સપર્ટ માર્ગદર્શન મેળવવા માટે જ આ સેવાઓનો લાભ લેવો જોઈએ.
આ સેવાનો લાભ કેવી રીતે લેવો?
આ સેવાનો લાભ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર ખાતેથી ડોક્ટર ટુ ડોક્ટર મળી રહે છે. જેનો સમય સવારે 10 થી 12. જેમાં જુદા જુદા દિવસે અલગ અલગ ફેકલ્ટી ઉપલબ્ધ હોય છે. જયારે કોઈ દર્દી સીધા જ આ સેવાનો લાભ લેવા માંગતા હોય તો તેઓએ આ દિવસોમાં સવારે 11 થી 1 દરમ્યાન https://esanjeevaniopd.in/ પોર્ટલ પર મોબાઈલ નંબર પરથી સ્લોટ લેવો જરૂરી છે.