જીતુ વાઘાણી, સૌરભ પટેલ સહિત સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓએ રાજકોટને એઈમ્સ મળે તે માટે સરકારને કરી ભલામણ
એઈમ્સને લઈ ઘણી ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં એઈમ્સ રાજકોટને મળી છે તે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ખૂબજ મોટી વાત માનવામાં આવી રહી છે. જેને લઈ કેન્દ્ર સરકાર એઈમ્સ બાબતે ઠરાવ લાવવા પ્રયત્નશીલ છે. પરંતુ રાજકોટને એઈમ્સ મળ્યા બાબતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે માહિતી મેળવ્યા વીના જ બફાટ કર્યો છે અને જણાવ્યું કે, રાજકોટને હજુ એઈમ્સ નથી મળી.
રાજકોટ અને વડોદરા નામની દરખાસ્ત હજુ પણ પેન્ડીંગ છે. પરંતુ વાસ્તવીકતા તો એ છે કે, રાજકોટ હોય કે વડોદરા એઈમ્સ ગુજરાતને મળી છે. ત્યારે સ્પષ્ટ નિર્દેશ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એઈમ્સ રાજકોટમાં જ સ્થપાશે તેવો નિર્ણય કેન્દ્રમાં કરવામાં આવ્યો છે. જેને બે દિવસમાં આરોગ્ય સચિવ ગુજરાત સરકારને લેખીતમાં જાણ કરશે કે રાજકોટમાં એઈમ્સ સ્થપાશે.
કેન્દ્રના આરોગ્ય વિભાગે રાજકોટ પર જ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રાજકોટને વધુ મહત્વ આપ્યું હતું. કારણ કે, રાજકોટને જો એઈમ્સ મળે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓને ખૂબજ વધુ ફાયદો થાય જેથી રાજકોટમાં એઈમ્સ સ્થપાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી. જો રાજકોટમાં એઈમ્સ સ્થાપીત થાય તો માત્ર એક જ શહેર નહીં પરંતુ આજુબાજુના ૧૨ જિલ્લાઓને તેનો વ્યાપક લાભ મળે તેવી ખાતરી કેન્દ્રીય આરોગ્ય વિભાગને પણ મળી હતી. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની તુલનામાં સૌરાષ્ટ્ર ઘણા ખરી રીતે પછાત નિવડયું છે. જયારે સૌરાષ્ટ્રની સરખામણીમાં અમદાવાદ હોય, વડોદરા હોય કે સુરત હોય ત્યાં તમામ જગ્યાએ સૌરાષ્ટ્ર કરતા આરોગ્ય ક્ષેત્રે ખૂબજ સારી સુવિધાઓ મળી રહી છે. જેથી એક વાત સ્પષ્ટ એ થાય છે કે, રાજકોટને એઈમ્સ મળે તો નવાઈ નહીં કારણ કે ખરા અર્થમાં એઈમ્સની જરૂર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે.
વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે બે સ્થળોની ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં ખીરસરા અને ખંઢેરી એમ બે સ્થળ એઈમ્સ માટે નકકી કરવામાં આવ્યા હતા અને તમામ પાસાઓને ધ્યાને લઈ ખંઢેરીમાં એઈમ્સની સ્થાપના કરવા માટે મહદઅંશે વિચાર પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ એઈમ્સને લઈ ભાજપના રાજકોટના નેતાઓ અને વડોદરાના નેતાઓ વચ્ચે કયાંક શાબ્દિક યુદ્ધ ચાલતુ હોય તેવું લાગી રહ્યું છે.
જસદણની પેટા ચૂંટણી બાદ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને ગુજરાત રાજય ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજકોટમાં એઈમ્સ સ્થપાય તેવી ભલામણ પણ કરી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેન્દ્ર બહુ જ ટૂંકા સમયમાં એઈમ્સ માટેના સ્થળ નકકી કરી લેશે.