સુશાંતસિંહની હત્યા થઈ હોવાની શક્યતાઓને એઈમ્સ પેનલે નકારી

સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી એઈમ્સની ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે સીબીઆઈને પોતાનો અહેવાલ સોંપ્યો છે. આ ફોરેન્સિક ટીમે પોતાના છેલ્લા અને અંતિમ અહેવાલમાં જણાવ્યું છે કે સુશાંતનું મોત આત્મહત્યાને કારણે થયું છે. એઈમ્સના નિષ્ણાંત પેનલના વડા ડો.સુધીર ગુપ્તાએ સુશાંત સિંહનુ ગળું દબાવીને મારી નાખવાની કોઈ પણ શક્યતાને નકારી કાઢી છે.

એઈમ્સ ફોરેન્સિક હેડ ડોક્ટર સુધીર ગુપ્તાએ વધુમાં કહ્યું કે, ‘અમે અમારો અંતિમ અહેવાલ તૈયાર કરી લીધો છે. આ ફાંસી લગાવવાનો અને સંપૂર્ણ આત્મહત્યાનો મામલો છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘સુશાંતના શરીર પર લટકવા સિવાય અન્ય કોઈ ઈજાના નિશાન નથી. મૃતકના શરીર અથવા કપડા પર કોઈ હાથાપાઈ કે ઝઘડાના નિશાન પણ મળ્યા નથી.

એઈમ્સની સાત ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે તેમની તપાસ અંગે સીબીઆઈની ટીમ સાથે લાંબી ચર્ચા કરી છે. ડૉ.ગુપ્તાએ વધુમાં કહ્યું કે, ‘બોમ્બે ફોરેન્સિક સાયન્સ લેબ કે એઈમ્સની ટેક્નોલોજી લેબને સુશાંતના શરીરમાં કોઈ ઝેરી અથવા માદક પદાર્થ મળ્યા નથી. ગળા પર મળેલ ડાઘ પણ ફાંસીએ લટકવાના કારણે જ છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારી કૂપર હોસ્પિટલની પેનલે પણ સુશાંતના મોતને આત્મહત્યા ગણાવી હતી. જો કે, મેડિકલ બોર્ડે આ રિપોર્ટની વધુ વિગતો આપવાથી ઇનકાર કર્યો છે કારણ કે આ કેસ હજી કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

જણાવી દઈએ કે, આ કેસની હત્યાના એંગલથી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી સુશાંતસિંહ રાજપુતનો પરિવાર, મિત્રો અને ચાહકો સીબીઆઈની તપાસમાં વિલંબ થતાં નિરાશા વ્યક્ત કરી રહ્યા હતા. આ સિવાય પરિવાર અને ચાહકોની માંગ હતી કે આ કેસની તપાસ આત્મહત્યાના દ્રષ્ટીકોણથી નહીં પરંતુ ખૂન અને ડ્રગ્સના એંગલથી કરવામાં આવે.

સુશાંતના પરિવારના વકીલ પણ આ તપાસની દિશાથી ખુશ નથી. આ કેસની તપાસ ડ્રગ્સ એન્ગલથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કરવામાં આવી છે. જેમાં બ્યુરોએ રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાન્ડા અને દિપેશ સાવંત ઉપરાંત અનેક ડ્રગ કરનારાઓની ધરપકડ કરી છે. તો શ્રધ્ધા કપુર, દીપિકા પાદુકોણ અને સારાઅલી ખાન સહિતની અભિનેત્રીઓની પુછપરછ તેજ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.