સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના ૨ કરોડથી વધુ લોકોને મળશે લાભ
એઈમ્સને લઈ ઘણી ખરી વાટાઘાટો ઘણા સમયથી ચાલુ હતી ત્યારે કેન્દ્રની ટીમે વડોદરા અને રાજકોટની વિવિધ સાઈટોની મુલાકાત લીધી હતી જેમાં એઈમ્સ કોને મળશે તે મુખ્ય પ્રશ્ન ઉદ્ભવીત થઈ રહ્યો હતો. ત્યારે આ ઉક્તિનો અંત આવી ગયો છે અને ગુજરાત સરકારે રાજકોટને એઈમ્સની ભેટ આપી છે. રાજકોટમાં એઈમ્સ આવવાથી મેડિકલ ટુરીઝમનો વિકાસ થશે અને સૌરાષ્ટ્રના તમામ ૮ જિલ્લાના ૨ કરોડથી વધુ લોકોને એઈમ્સનો લાભ મળી શકશે.
વાત કરવામાં આવે તો હાલ રાજકોટ શહેરમાં ફકત એક સિવિલ હોસ્પિટલ અને બે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ઉપલબ્ધ છે. ત્યારે રાજકોટમાં એઈમ્સ આવવાથી મહત્તમ મેડિકલ સુવિધાઓમાં વધારો થશે. વાત કરવામાં આવે તો કોઈપણ સ્પેશ્યાલીટી ટ્રીટમેન્ટ અથવા તો ઓપરેશન માટે સૌરાષ્ટ્રની આશરે ૨ કરોડની જનતાએ પોતાની સારવાર માટે અમદાવાદ જવું પડતું હતું અને સૌરાષ્ટ્રના અનેકવિધ ગામોથી અમદાવાદનું અંતર ખૂબજ વધી જતું હતું જે હવે ખૂબજ ઘટી જશે. દા.ત. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરથી અમદાવાદનું અંતર ૪૧૫ કિ.મી.નું હતું જે હવે રાજકોટને એઈમ્સ મળવાથી હવે ૧૮૦ કિ.મી.નું જ રહેશે. જયારે જામનગર ગામની વાત કરીએ તો જામનગરથી અમદાવાદ ૩૧૫ કિ.મી.નું અંતર રહેતું હતું જે હવે માત્ર ૯૦ કિ.મી.નું જ અંતર રહેશે. એટલે કે, સૌરાષ્ટ્રના લોકોને રાજકોટમાં એઈમ્સ આવવાથી ખૂબજ મોટો ફાયદો થશે અને ઉચ્ચ ગુણવત્તાવાળી તબીબી સારવારનો પણ સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે.
વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની હદથી એઈમ્સ માટે પસંદ કરેલી જમીન જે ખંઢેરી પાસે આવી છે તેનું અંતર માત્ર ૬ કિ.મી.નું જ છે. જેથી રાજકોટથી આજુબાજુના ગામો અને મુખ્ય કેન્દ્રોને ખૂબજ મદદરૂપ થશે. એઈમ્સ માટે જે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે દેશની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ આવતા ચાર વર્ષમાં તેનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ૧૨૫૦ કરોડના ખર્ચે આ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાશે.
રાજકોટમાં એઈમ્સ આવવાથી મેડિકલ ટુરીઝમને પણ વેગ મળશે અને ૫૦ કિ.મી.ની ત્રિજીયામાં રીયલ એસ્ટેટ, હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ક્ષેત્રોમાં પણ તેજી આવશે જેની સાથો સાથ રાજગારીની નવી તકો ઉભી થશે. હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજોમાં એમબીબીએસ માટે ૧૦૦ બેઠકો ફાળવવામાં આવી છે આથી ગુજરાતના જે તબીબી ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને એઈમ્સ આવવાથી નવી તકોમાં વધારો થશે. હૃદયની બિમારીઓ, કેન્સર, ન્યુરો સર્જરી જેવી મુશ્કેલ સારવાર માટે જયારે દર્દીઓ રાજકોટ મુકી અમદાવાદ જવું પડતું હતું તે હવે રાજકોટના આંગણે જ એઈમ્સ આવવાથી પરિપૂર્ણ થઈ જશે.
એઈમ્સ આવવાથી મેડિકલ કોલેજોની સાથો સાથ તબીબી સંશોધનો પણ હાથ ધરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બની રહ્યું છે અને એમાં પણ આફ્રિકા, અમેરિકા, યુરોપના ઘણા દર્દીઓ રાજકોટ ખાતે દાંત, ચામડી અને ઓપથેમોલોજીસ્ટની સારવાર માટે અહીં આવતા હોય છે જેના કારણે આપણે જે વાત કરી રાજકોટ મેડિકલ હબ પણ રહેશે અને રાજકોટ વિકાસના પથ પર આગળ વધશે.
રાજકોટને એઈમ્સ મળી તેના માટે પસંદગી સમીતીએ ભૌગોલીક સ્થિતિ, સ્થાનિક આરોગ્ય સુવિધા અને આંતર માળખાકીય સુવિધા વિશે માહિતી મેળવી હતી અને ત્યારબાદ જ રાજકોટને એઈમ્સની ભેટ આપવામાં આવી હતી. એટલે કહી શકાય કે રાજકોટને એઈમ્સ મળવાથી માત્ર રાજકોટને જ નહીં પણ આજુબાજુના જે ગામો અને જે તાલુકાઓ છે તેને પણ બહોળો લાભ મળી રહેશે અને સૌરાષ્ટ્રની શકલ ફરી જશે.