શાળા-કોલેજમાં રેડરિબન, સેમિનાર, લાલ ફૂગ્ગાની રિબિન જેવા વિવિધ જનજાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન
1લી ડિસેમ્બર વિશ્ર્વ એઇડ્સ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આ વર્ષે ઇલેક્શન હોવાને કારણે તા.5મી ડિસેમ્બરથી શરૂ કરાશે. તા.31 માર્ચ-2023 સુધી વિવિધ જન જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવશે તેમ સંસ્થાના ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે.
છેલ્લા 36 વર્ષથી એચ.આઇ.વી./એઇડ્સ વિશે લોકોમાં જનજાગૃત્તિ લાવવા એઇડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા વિવિધ આયોજન કરીને રાજ્ય સાથે સમગ્ર દેશમાં અને વૈશ્ર્વિકસ્તરે સરાહના મેળવી છે. આ વર્ષનું ઉજવણી આયોજન 5 ડિસેમ્બરથી શરૂ કરાશે અને સતત ત્રણ મહિના આ જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે.
5મી ડિસેમ્બરે સોમવારે સવારે 9 કલાકે વિરાણી સ્કુલ ખાતે છાત્રોની વિશાળ રેડરિબન, તા.6ને મંગળવારે જી.ટી.શેઠ સ્કુલ ખાતે વિશાળ રેડ રિબન સાથે વિદ્યાર્થીઓની માનવ સાંકળ બનાવાશે. તા.7મી બુધવારે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, ન.પ્રા.શિ.સ. શહેર/જીલ્લાના સહયોગમાં શહેર/જીલ્લાની તમામ શાળામાં રિબીન બનાવીને ધો.9 થી 12ના છાત્રોમાં એઇડ્સ જાગૃત્તિ પ્રસરાવાશે.
તા.8મીએ ગુરૂવારે લાલ ફૂગ્ગાની વિશાળ રેડરિબન બનાવીને હવામાં તરતી મુકાશે. કેન્ડલ લાઇડ રેડ રિબનનું આયોજન 9મીએ શુક્રવારે પંચશીલ શાળા ખાતે યોજવામાં આવેલ છે તેમ સેક્રેટરી વિશાલ કમાણીએ જણાવ્યું છે.
શહેર-જીલ્લાની શાળા-કોલેજમાં આવા આયોજન યોજવા ચેરમેન અરૂણ દવે- 98250 78000 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે. રાષ્ટ્રીય એઇડ્સ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત સામાજીક સંસ્થા, ક્લબ, મંડળ તથા વિવિધ એસોસિએશને સાથ સહકાર આપવા એઇડ્સ પ્રિવેન્સન ક્લબે અનુરોધ કર્યો છે.
આ વર્ષનું લડત સુત્ર ‘સમાનતા’ છે. જેના સંદર્ભે સમાજના છેવાડાના માનવી સુધી એઇડ્સ જાગૃત્તિ પ્રસરે અને એચ.આઇ.વી. વાયરસથી કેમ બચી શકાય તેવા આયોજન યોજવામાં આવશે.