લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ચૂંટણી સમિતિની રચના કરી
કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સોમવારે (4 સપ્ટેમ્બર) કોંગ્રેસે તેની ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. જેમાં 16 નેતાઓના નામ સામેલ છે. જેમાં ગુજરાતમાંથી મધુસુધન મિસ્ત્રી અને અમી યાજ્ઞીકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, મધુસુદન મિસ્ત્રી, એન. ઉત્તમ કુમાર રેડ્ડી, ટીએસ સિંહ દેવ, કેજે જિયોગ્રે, પ્રીતમ સિંહ, મોહમ્મદ જાવેદ, અમી યાજ્ઞિક, પીએલ પુનિયા, ઓમકાર માર્કમ અને કેસી વેણુગોપાલ.
કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટી 18-22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્ર પહેલા મંગળવારે સાંજે 5 વાગ્યે નવી દિલ્હીમાં 10 જનપથ ખાતે સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજશે. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાત્રે 8 વાગ્યે તેમના નિવાસસ્થાને સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી દળોની બેઠક યોજશે.કેસી વેણુગોપાલે કહ્યું કે નેતાઓ આગામી સત્રની રણનીતિ પર ચર્ચા કરશે. આ સાથે તેમણે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગે 16 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ, તેલંગાણામાં નવનિર્મિત કાર્ય સમિતિની પ્રથમ બેઠક બોલાવશે. તમામ સિડબ્લ્યુસી સભ્યો, પીસીસી પ્રમુખ, સીએલપી નેતાઓ અને સંસદીય પક્ષના પદાધિકારીઓ તેમાં ભાગ લેશે.