અમદાવાદ શહેરમાં ઇન્જેક્શન ની કાળાબજારી કરવાના કેસમાં સોલા પોલીસે જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ કરી છે. સોલા પોલીસે અગાઉ છ ઇન્જેક્શન સાથે જય શાહની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ માં સુરતના બે ડોકટરનું નામ ખુલ્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. જામનગરની હોસ્પિટલ માં ફરજ બજાવતા ડોકટર પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હોવાનું બહાર આવતા પોલીસે ડોક્ટરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.એસજી હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલપંપ પાસેથી પોલીસે જય શાહ નામના યુવક પાસેથી 6 રેમડેસીવીર ઇન્જકેશન સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા સુરતના ડોક્ટર મિલન સુતારીયા અને કીર્તિ દવે અને જુહાપુરાની રુહી પઠાણનું નામ ખુલવા પામ્યું હતું. પોલીસે સુરતના બે ડોક્ટર અને એક અમદાવાદની મહિલા નર્સની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટર ધીરેન બાલદાણિયા પાસેથી ખરીદી કર્યા હોવાનું બહાર આવતાં સોલા પોલીસે તેમની ધરપકડ કરી છેસુરતના આરોપી ડો. કીર્તિ અને ડો. ધીરેન બંને સાથે ભણતા હતા ત્યારની ઓળખાણ હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં અભ્યાસ કરતા આરોપી ડોક્ટર ધીરેન બલદાણીયાએ આ એક ઇન્જેક્શન ડોક્ટર કીર્તિ દવેને 8 હજારમાં વેચાયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે ત્યારે સોલા પોલીસે જામનગર પોલીસનો પણ સંપર્ક કરી જામનગરમાં વધુ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. પ્રેમદરવાજા પાસે આવેલા આનંદ મેડિસિનના ગોડાઉનમાં 34 રેમડેસિવિર રાખી કાળા બજાર કરનાર 3 આરોપીને એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એચ.એમ.ધાસુરાએ 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આનંદ મેડિકલ સ્ટોર્સના માલિક ચિરાગ શાહ, સંદીપ મહેતા, જયેશ ભાવસારને મેટ્રો કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ સંદર્ભે રજૂઆત કરી હતી કે, આરોપીઓ ઇન્જેક્શનો કોને કેટલા રૂપિયામાં વેચવાના હતા તેની તપાસ કરવી જરૂરી હોવાથી રિમાન્ડ મંજૂર કરવા જોઈએ.