અયોધ્યામાં ભગવાન શ્રી રામનું વિશાળ મંદિર નિર્માણ પામી રહ્યું છે. મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. મંદિર સાથે જોડાયેલી અનેક વસ્તુઓની બનાવટ ગુજરાતમાં કરવામાં આવી રહી છે. જેમાનું એક કે જે મંદિરનો મહત્વનો ભાગ માનવામાં આવે છે, તે ધ્વજદંડ અમદાવાદની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. એક મુખ્ય ધ્વજદંડની સાથે સાત ધ્વજદંડ બનાવવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય ધ્વજદંડનું વજન 5500 કિલો અને તેની લંબાઈ 44 ફૂટની છે.
રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભો પિત્તળમાંથી તૈયાર કરવામાં આવ્યા: 44 ફુટના વિશાળ ધ્વજ દંડનો વજન 5500 કીલો: ભરતભાઈ મેવાડા
અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સના એમડી ભરત મેવાડાએ આ ધ્વજદંડ અંગે જણાવ્યું હતું કે, અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે, તેનો ઘણું બધુ બ્રાસનું કામ કરવાનો અવસર અમને મળ્યો છે. આ બ્રાસનું કામ મારી ફેક્ટરીમાં થઇ રહ્યું છે. તેનું એક મુખ્ય ધ્વજ દંડ છે. અમે છેલ્લા 81 વર્ષથી શાસ્ત્રો અનુસાર આ ધ્વજદંડ બનાવી રહ્યાં છીએ. તેમાં અનેક પ્રકારની બાબતોનું ધ્યાન અમે રાખીએ છીએ. ધ્વજ એક પ્રકારે એન્ટિના જેવું છે. બ્રહ્માંડમાંથી તરંગો આ ધ્વજદંડ થકી ભગવાનના ગર્ભગૃહમાં પહોંચે છે અને ત્યાંથી આપણને બધાને ઉર્જા મળે છે. ધ્વજદંડ બનાવવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
શાસ્ત્રો અનુસાર જે રામજીનું મંદિર બની રહ્યું છે તે ઘણું વિશાળ છે. એ મંદિર પ્રમાણે જ તેનું ધ્વજદંડ બનાવવામાં આવે છે. ધ્વજદંડ સંપૂર્ણપણે પીત્તળમાંથી બને છે. તેમાં એકપણ નોંથરેસ મેટલનો ઉપયોગ થતો નથી. આ જે ધ્વજદંડ છે તે 44 ફૂટ લાંબો છે અને તેનો ડાયો છે તે 9.5 ઇંચ છે. તેની વોલથીકનેસ એક ઇંચ છે. જે વિશાળ છે. અમે છેલ્લા 81 વર્ષથી બનાવીએ છીએ અને અત્યારસુધીમાં અમે તે વધુમાં વધુ 25-30 ફૂટના ધ્વજદંડ બનાવ્યા છે.વજન પ્રમાણે જોઇએ તો અમે મોટામાં મોટો ધ્વજદંડ બનાવ્યો છે, તે 450 કિલોનો છે. તેની તુલનામાં આ ધ્વજદંડનું વજન 5500 કિલો છે. એટલે કે આ એક યુનિક ધ્વજદંડ છે. તેને બનાવવામાં, તેનું રો મટિરિયલને પસંદ કરવામાં અમને અમારો 81 વર્ષનો અનુભવ કામ આવ્યો છે અને અમે આ જે યુનિક ધ્વજદંડ બનાવ્યો છે તે ભગવાન રામની કૃપા છે કે અમને તેનું મટિરિયલ મળી ગયું. કેટલુંક બનાવવાનું પડ્યું અને કેટલોક જુગાડ કરવો પડ્યો. શાસ્ત્ર પ્રમાણે આ ધ્વજદંડ બનાવ્યો તે તેમની કૃપા હતી એટલે બન્યો છે.
આ ધ્વજદંડ બનાવવા માટે જે મટિરિયલ છે સરળતાથી મળ્યું ન હતું. તેથી તેને બનાવવું પડ્યું છે. છેલ્લા 6 મહિનાથી ડ્રોઇંગ, મેઝરમેન્ટથી લઇને બનાવવા સુધીનો સમય લાગ્યો છે. ફેક્ટરીનો સમગ્ર સ્ટાફ, સ્કીલ્ડ કર્મચારીઓએ આ ધ્વજદંડ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. આ ધ્વજદંડને બનાવવા માટે મંદિરની જેમ શિલ્પશાસ્ત્ર અનુસાર ધ્વજદંડ બનાવવામાં આવ્યા છે. કોઇપણ મંદિરમાં ત્રણ વસ્તુ ખુબજ મહત્વની હોય છે. ભગવાનની મૂર્તિ, ધ્વજદંડ અને કળશ. કારણ કે મંદિર બન્યા બાદ આ ત્રણેયને ક્યારેય હટાવવામાં આવતા નથી.
આ ધ્વજદંડની સાથોસાથ ભગવાન શ્રી રામના આ મંદિરમાં જે લાકડાના દરવાજા છે. એ બધાનું સ્પેશિયલ બ્રાસનું હાર્ડવેર છે. તેની પ્યુર સિસ્ટમ, લોકિંગ સિસ્ટમ, ઇન્જિસ આવે છે, તે બધુ સ્પેશિયલ હતું. શાસ્ત્ર પ્રમાણે અમે તેનું સન્સ લોકિંગ સિસ્ટમ બનાવ્યું છે. અમે મોકલી આપ્યું છે. અમને અન્ય એક કામ કરવાનો અવસર પણ મળ્યો કે સમગ્ર રામ મંદિરમાં બ્રાસના કડા લાગશે અને ઝુમ્મર લાગશે, ફેન લાગશે, બલ્બ લાગશે એ બધુ મોટી માત્રામાં બનાવવાનું હતું. અમે અત્યારસુધી કોઇ મોટા મંદિરમાં બનાવ્યું તો તેમા 100 પીસ લાગતા હોય છે. પરંતુ આ મંદિરમાં તો અમે 530 પીસ બનાવ્યા છે. મને ખુશી છેકે મને શ્રી રામ મંદિરમાં આ કામ કરવાનો અવસર મળ્યો છે.
અમદાવાદના ચાંદલોડિયા-ગોતા રોડ પર અંબિકા ફેક્ટરી આવેલી છે. જેમાં ગોતા ચોકડીથી ચાંદલોડિયા તરફ જતાં વચ્ચે આ ફેક્ટરી આવેલી છે. જેમાં લોકો માટે ધ્વજ સ્તંભના દર્શનનો સમય સવારે 6થી સાંજના 6-7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રોજ 100-200 લોકો ધ્વજદંડના દર્શન કરવા આવી રહ્યા છે.આગામી 22 જાન્યુઆરી, 2024 ના રોજ, બપોરે 12:20 વાગ્યે, ભગવાન રામને અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં તેમના ભવ્ય મહેલમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.