પોલીસ, પ્રેસ, ડૉકટર, એડવોકેટ, પાર્ટી પ્રેસીડેન્ટ, વોર્ડ પ્રમુખ નંબર પ્લેટમાં લગાવી ફરતા વાહન ચાલકો સામે ઝુંબેશ કયારે !
શહેર ટ્રાફિક બ્રાન્ચે 15 દિવસમાં ત્રણ વખત ઝુંબેશ કરી સંતોષ માની લીધો; શહેરમાં નંબર પ્લેટ કાળાકાચ, હોદાનું પ્રદર્શન કરતા તત્વો બેરોકટાકે માઝા મૂકી છે
પોલીસ, પ્રેસ, એડવોકેટ, ડોકટર, પાટીદાર સહિતના ચિતરામણા લખાણ વાહનોની નંબર પ્લેટમાં લખી બે રોકટોક ફરતા વાહન ચાલકો સામે અમદાવાદ સંયુકત ટ્રાફીક પોલીસ કમિશ્નર મયંકસિંહ ચાવડાના આદેશથી આજથી સમગ્ર અમદાવાદ મેટ્રો સીટીમાં એક સપ્તાહ માટે ખાસ ટ્રાફીક ઝુંબેશ શરૂ કરવામાં આવીછે.ત્યારે આવી ઝુંબેશ રાજકોટ શહેરમાં કયારે શરૂ કરવામાં આવશે તેવો લોકોમાં પ્રશ્ર્ન ઉદભવી રહ્યો છે.
કોરોના કાળ દરમિયાન અમદાવાદ એવા મેટ્રોસીટીમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ પોતાના વાહનમાં નંબર પ્લેટ લગાડયા વગર પોલીસ લખી કાયદાનો ભંગ કરતા હોવાનું તેમજ પોતે માસ્ક પહેરેલ ન હોય તેમ છતા ખાખીનો રોફ જમાવી લોકો પાસે માસ્કનો દંડ ઉઘરાવા હોવાની અમદાવાદ પોલીસ કમિશ્નર સમક્ષ અનેક ફરિયાદો આવી હતી.
પોલીસ કર્મચારીઓ જ કાયદાનો ભંગ કરતા હોય જેના કારણે ભારે હોબાળો થયો હતો. જેના પગલે આજે અમદાવાદ સંયુકત પોલીસ કમિશ્નર ટ્રાફીક શાખાના મયંકસિંહ ચાવડાએ અમદાવાદ શહેરના તમામ ડીસીપી તમામ પોલીસ મથક અને ટ્રાફીક શાખા દ્વારા એક સપ્તાહ માટે ટ્રાફીક મહાઝુંબેશ કરી વાહનની નંબર પ્લેટમાં પોલીસ, પ્રેસ, ડોકટર, એડવોકેટ ‘એન્ટી કરપ્શન બ્યૂરો કમીટીના સભ્યો લખેલા ચિરામણા લખાણ સામે કાયદેસરના પગલા લેવા આદેશ આપ્યો છે.
અમદાવાદ શહેરમાં આવી ઝુંબેશ થઈ રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં આવી ઝુંબેશ શરૂ કરવામાં શહેર પોલીસ તંત્રને કર્યુ ગ્રહણ તડે છે. તેવો પ્રશ્ર્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ફ્રેન્સી નંબર પ્લેટની અગાઉ અનેક વખત ઝુંબેશ થઈ છે. પરંતુ માત્ર કાગળ ઉપર જ હાલના સમયમાં પોલીસ પ્રેસ, પાર્ટી પ્રેસીડેન્ટ, વોર્ડ પ્રમુખ, એડવોકેટ, ડોકટર લખીને જાણે નંબર વગર વાહન ચલાવવાનો ખૂલ્લો પરવાનો મેળવી લીધો હોય તેમ વાહન ચાલકો બેરોકટોક ફરી રહ્યા છે.ફેન્સી નંબરની સાથોસાથ કાળાકાચ લગાવીને રવું તે રાજકોટવાસીઓની ફેશન બની ગઈ છે.
હજુ બે દિવસ પહેલા 150 ફૂટ રીંગરોડ બીગ બજાર પાસે બી.આર.ટી.એસમાં નંબર પ્લેટ અને કાળા કાચ લગાવીને નીકળેલા કાર ચાલકે કારનો દરવાજો ખોલી પાનની પીચકારી મારવા જતા રાહદારી યુવાનને ઉડાડયો હતો. જે કાર 2013માં રજીસ્ટ્રેશન થઈ હોવા છતાં આઠ વર્ષ સુધી કારમાં નંબર પણ લગાવ્યા નહોતા.આવા તો અનેક કિસ્સા રોજીદા બની રહ્યા છે. ત્યારે શહેર પોલીસ તંત્ર આવી ઝુંબેશમાં પ્રથમ પોતાના ઘરની એટલે કે પોલીસથી શરૂ કરીને સમાજમાં દાખલો બેસાડે તેવી લોકોની માંગ છે.આ તકે આજે રાજકોટ ટ્રાફીક શાખાના એસીપી વી.આર. મલ્લોત્રાનો ‘અબતક’ની ટીમે સંપર્ક કરતા રાજકોટ શહેરમાં આવી તબકકાવાર ઝુંબેશ ચાલુ જ હોવાનું જણાવ્યું હતુ.
રાજકોટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા 15 દિ’માં ત્રણ વખત ટ્રાફિક ડ્રાઈવ કરી સંતોષ મેળવ્યો
રાજકોટ શહેર ટ્રાફીક બ્રાંચ દ્વારા છેલ્લા 14 દિવસમાં ત્રણ વખત ફેન્સીનંબર પ્લેટ વગરના વાહનો, કાળાકાચ વાળી કાર, સામે ઝુંબેશ શરૂ કરી હોવાની માહિતી આપી છે.
ગત તા.28.7ના રોજ ફકત પોલીસ કર્મચારી પર જ ટ્રાફીકની ઝુંબેશ શરૂ ફેન્સી નંબર, પોલીસ લખેલ નંબર પ્લેટ નંબર પ્લેટ વગરના વાહનો અને કાળાકાચ વાળી ગાડીના કુલ 25 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં 13 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તા. 5/8ના રોજ ટ્રાફિક બ્રાંચ દ્વારા જનરલ ઝુંબેશ હાથ ધરી શહેરભરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતા કુલ 366 કેસ કરી 1,56,100નો દંડ વસુલ કર્યો હતો.
આ ઉપરાંત તા. 8/8ના રોજ ટ્રાફીક બ્રાંચ તેમજ તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં ફેન્સી નંબર પ્લેટના 322 કેસ અને કાળા કાચવાળી ગાડીના 188 કેસ કરી કુલ રૂ.2,24,100નો દંડ વસુલ કરી સંતોષ મેળવી લીધો હતો.
પોલીસ કમિશનર કચેરી ફરતે નંબર વગરની, કાળા કાચવાળી લાખેણી કારનો જમાવડો
રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ગત તા.28/7ના રોજ ફક્ત પોલીસ કર્મચારીઆ, અધિકારીઓ સામે ફેન્સી નંબર, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ સામે ઝુંબેશ કરી ફક્ત 25 જેટલા ફોર વ્હીલ અને ટુ-વ્હીલર સામે કેસ કર્યા હતા પરંતુ શહેરની પોલીસ કમિશ્નર કચેરી ફરતે દરરોજ વાહનની નંબર પ્લેટ વગરના કાળા કાચવાળા અસંખ્ય વાહનોની ખડકલો જોવા મળે છે.
આવા વાહનો પોલીસ અધિકારીઓને નજરે નહીં પડતા હોય કે કમાવ દિકરા સમાન આવા પોલીસ કર્મચારીઓ સામે આંખ આડા કાન કરવામાં આવે છે.રાજકોટની મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા લગભગ પોલીસ કર્મચારીઓ પાસે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ છે. જો કે આવી લાખોની કાર તેમના નામે કે બીજા કોઇના નામે છે તે તો તપાસનો વિષય છે.પરંતુ આવી લાખેણી કાર પોલીસ કમિશ્નર કચેરી ફરતે મધુપુડાની માફક દરરોજ ખડકલા જોવા મળે છે.