- અમદાવાદ : આજે આ રસ્તાઓ રહેશે બંધ
- અમદાવાદ પોલીસનું જાહેરનામું
- વૈકલ્પિક રૂટ પણ જાહેર
26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે અને મહત્વની વાત એ છે કે આજે મહાશિવરાત્રિનો મહાપર્વ પણ છે. ત્યારે 614 વર્ષ પછી નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નિકળ્યા.
અમદાવાદ: શહેરના નગરદેવી મા ભદ્રકાળી ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળ્યાં છે. રથમાં માતાજીના પાદુકા મૂક્યા બાદ આરતી કરીને નગરયાત્રાને પ્રસ્થાન કરાવાયું. અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે 614 વર્ષ બાદ પહેલીવાર આ પ્રકારનું આયોજન કરાયું છે. જેમાં નગરદેવી મા ભદ્રકાળી સવા છ કિલોમીટર લાંબી નગરયાત્રા કરશે. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા છે. ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા શરૂ થઈ છે. ત્રણ દરવાજા, બાબા માણેકનાથની સમાધિ, જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ ઘાટ, લક્ષ્મી મંદિર, વસંત ચોક ચછા બહુચર માતાજી મંદિર ખાતે પાદુકાની આરતી ઉતારવામાં આવશે.
અમદાવાદનાં સ્થાપનાં દિને નગરદેવી ભદ્રકાળી માં 614 વર્ષ બાદ નગરયાત્રા નીકળનાર છે. જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ માતાજીની નગરયાત્રામાં વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. નગરયાત્રા દરમ્યાન ટ્રાફિમ જામ ન સર્જાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં નગરયાત્રા નીકળનાર રૂટ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ વાહનોની અવર જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્રર જી.એસ. મલિક દ્વારા આવતીકાલે શહેરમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળનાર છે. ત્યારે નગરયાત્રામાં આશરે 5000 થી વધારે જનસંખ્યા તથા માતાજીનો રથ, પાંચ છોટા હાથી, જગન્નાથ મંદિરનાં હાથી, અખાડાનાં કલાકાર, નાસિક ઢોલ ગ્રુપ, પાંચ સાધુની ધજાઓ, એક બેન્ડ વાજાની ટુકડી, એક ડી.જે. ટ્રક, ત્રણ ભજન મંડળીઓ, 15 કાર, 100 ટુ-વ્હીલર નીકળનાર છે. ત્યારે નગરયાત્રા દરમ્યાન ટ્રાફિક જામ ન સર્જાય અને નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ભદ્રકાળી માતાજી મંદિરથી જ્યાં સુધી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વાહનોની અવર જવર માટે માર્ગો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. તેમજ ડાયવર્ઝન આપવામાં આવેલ છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
શ્રી ભદ્રકાળી માતાજી મંદિરથી કારંજ પોલીસ સ્ટેશન આગળ થઈ ત્રણ દરવાજા થઈ પાનકોર નાકા થઈ માણેક ચોક થઈ ગોળ ગલી થઈ મ્યુનિસિપલ કોઠા અંદર થઈ ગોળલીમડા થઈ ખમાસા ચાર રસ્તા થઈ ડાબી બાજુ વળી જગન્નાથ મંદિરથી જમાલપુર શાકમાર્કેટ થઈ ફુલ બજારની આગળથી રોંગ સાઈડમાં રિવરફ્રન્ટ અંદર થઈ મહાલક્ષ્મી મંદીર થઈ વિક્ટોરીયા ગાર્ડન થઈ અખાડાનંદ સર્કલ થઈ વસંત ચોકથી લાલ દરવાજા થઈ અપના બજાર થઈ સિદ્દી સૈયદની જાળી થી રોંગ સાઈડ થઈ વીજળી ઘરથી શ્રી બહુચર માતાનાં મંદીર થઈ પરત શ્રી ભદ્રકાળી માતાજી મંદીર સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
વૈકલ્પિક માર્ગ
- વીજળી ઘર ચાર રસ્તા થી પાલીકા બજાર થઈ નેગરૂબ્રિજ ચાર રસ્તા થી ડાબી બાજુ વળી એલીસબ્રિજથી ડાબી બાજુ વળી વિક્ટોરીયા ગાર્ડન તરફનાં માર્ગનો ઉપયોદ કરી શકાશે.
- ગોળ લીમડા થી રાયપુર દરવાજા થઈ એસ.ટી. ચાર રસ્તા થઈ જમાલપુર ચાર રસ્તા તરફનાં માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- જમાલપુર ચાર રસ્તા થઈ ફુલ બજાર થઈ સરદારબ્રિજનાં પૂર્વ છેડા થી ડાબી બાજુનાં રોડ થઈ પૂર્વનો રીવરફ્રન્ટ રોડ થઈ કામા હોટલ રીવરફ્રન્ટ કટ થઈ ખાનપુર દરવાજા થઈ ઘી કાંટા તરફનાં માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- કામા હોટલ રિવરફ્રન્ટ ટી થી ડાબી બાજુ વળી બેકરી સર્કલ થઈ રૂપાલી સિનેમાથી જમણી બાજુ વળી નેહરૂબ્રિજ તરફ અવર-જવર કરી શકાશે.
આ જાહેરનામું કોને લાગુ નહી પડે.
નગર દેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા દરમ્યાન વાહનોમાં ફરજમાં રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગ્રેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.
નગર દેવી મા ભદ્રકાલી માતાની નગરયાત્રાનું સમયપત્રક
- 7:30 AM નગર દેવી મા ભદ્રકાલી મંદિર પાદુકા આરતી
- 7:45 AM લક્ષ્મી માની પંજાની આરતી
- 8:00 AM યાત્રા માટે રથ પર નગર દેવી મા ભદ્રકાળીની પાદુકા પધરામણી
- 8:30 AM મહારાજ દ્વારા ત્રાણ દરવાજા ખાતે દિવા આરતી
- 9:00 AM બાબા માણેક નાથના વંશજો દ્વારા બાબા માણેક નાથ મંદિર, માણેક ચોક ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી કરાશે
- 9:45 AM એએમસી કોઠા કાર્યાલય ખાતે કર્ણાવતી ના મેયર અને અધિકારીઓ મા ભદ્રા કાલી ના પાદુકાની આરતી કરશે
- 10:30 AM જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરમાં મા ભદ્રા કાલીન પાદુકાની આરતી કરશે
- 11:15 AM રિવર ફ્રન્ટ ધાટ પર સાબરમતી નદીની આરતી
- 12:00 PM પુરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી
- 12:30 PM વસંત ચોક ખાતે આવેલ પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા મા ભદ્રા કાલીના પાદુકાની આરતી
- 1:00 PM બહુચર માતા મંદિર ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી
- 1:30 PM નગર દેવી મા ભદ્રકાલી મંદિર ખાતે હવન અને ત્યારબાદ ભંડારો
6.25 કિમી લાંબી નગરયાત્રા યોજાશે
અમદાવાદના સ્થાપના દિવસે ભદ્રકાળીની નગરયાત્રા યોજાશે. પ્રધાનમંત્રી મોદી અથવા અમિત શાહ નગરયાત્રાના પ્રસંગે હાજર રહી શકે છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે ત્યારે તે પ્રસંગે માતાજીની 6.25 કિમી લાંબી નગરયાત્રા યોજાશે જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો-નગરજનો જોડાશે. અત્રે જણાવીએ કે, જે યાત્રામાં રથમાં માતાજીની પાદુકા મુકવામાં આવશે.