કોહલીની ‘વિરાટ’ ઇંનિંગે ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું !!!
બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ચોથા ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે અને હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ ચોથો ટેસ્ટ ડ્રો તરફ આગળ વધે તો નવાઈ નહીં અને તે મુજબની જ હાલ ધારણા પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથો ટેસ્ટ ડ્રો થાય તો સંપૂર્ણ નજર ભારતીય ટીમ એ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ ની ટેસ્ટ સીરીઝ ઉપર રાખવાની રહેશે. જો ટેસ્ટ મેચ ડ્રોમાં થાય છે અથવા ભારતીય ટીમ હારી જાય છે, તો સંપૂર્ણ ફોકસ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝ પર રહેશે. ફાઈનલ માટે ક્વોલિફાઈ થનારી એકમાત્ર ટીમ ઓસ્ટ્રેલિયા છે.
ભારત બીજા નંબરે અને શ્રીલંકા ત્રીજા નંબરે છે. જો શ્રીલંકા બંને ટેસ્ટ મેચ જીતશે તો તે ફાઇનલમાં પહોંચી જશે. જો એક પણ મેચ ડ્રોમાં સમાપ્ત થાય અથવા શ્રીલંકા એક પણ હારી જાય તો પણ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ આ વર્ષે 7 જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે
કોહલીનો સદીનો દુકાળ ગયો,28મી સદી ફટકારી
કિંગ કોહલીનું ટેસ્ટમાં છેલ્લા વર્ષોમાં જે પ્રદર્શન હોવું જોઈએ તે પ્રમાણમાં ન હોવાના કારણે અને ટીકાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ જે સદીનો દુકાળ વિરાટ માટે ઉદ્ભવ્યો હતો તે હવે શાંત પડી ગયો છે અને દુકાળનો અંત પણ આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 28મી સદી ફટકારી દુકાળના અંત લાવી દીધો હતો. કોહલીએ ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાં છેલ્લે 2019માં બાંગ્લાદેશ સામે સદી નોંધાવી હતી. કોહલીએ 241 બોલમાં 28મી સદી પૂરી કરી હતી. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આ તેની 75મી સદી નોંધાઇ છે.