સોશિયલ મીડિયા પર સીવીસી ગ્રુપે પહેલી પોસ્ટ કરીને લખ્યું ’શુભારંભ’
અબતક-રાજકોટ
દુનિયાની સૌથી મોટી 20-20 લીગ ઇન્ડિયન પ્રિમર લીગમાં આ વર્ષે ગુજરાતની પણ બોલબાલા રહેશે. સૌના મોઢે ચર્ચાતા અમદાવાદની ટીમનું નામ માલિક સીવીસી ગ્રુપે બદલીને ’ગુજરાત ટાઈટન્સ’ રાખી સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં અમદાવાદની ટીમના નામ જાહેર થયા પહેલા વિવિધ નામ અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી. જેમાં રિપોર્ટ્સ અને માહિતીના આધારે આ ટીમનું નામ પહેલા અમદાવાદ ટાઈટન્સ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યાર પછી સમગ્ર ગુજરાતને આવરી લેતા આ ટીમનું નામ ’ગુજરાત ટાઈટન્સ’ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ બનાવી દીધું છે. જેની પહેલી પોસ્ટ શેર કરી ગ્રુપ દ્વારા ’શુભારંભ’ લખ્યું છે.
અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી, કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે.