ઝડતી દરમિયાન ટોઇલેટના પોખરામાં ખાડો કરી કોથળીમાં વિંટાળી રાખ્યા’તા
શહેરની મઘ્યસ્થી જેલમાં મોબાઇલ અને વ્યસની પદાર્થના દડાનો ઘા આવવાનો સીલસીલો હજુ થમાયો નથી ત્યાં અમદાવાદની ઝડપી સ્કોવર્ડ જેલમાં દરોડો પાડી ટોઇલેટમાંથી પ્લાસ્ટીકની કોથળીમાં વિટાળી છુપાયેલા ચાર મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ જેલર ગ્રુપ-ર ઝડતી સ્કવોર્ડના દેવશીભાઇ કરંગીયાની ફરીયાદ પરથી અજાણ્યા કાચા કામના કેદી સામે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં જાણવા મળ્યા મુજબ શહેરની મઘ્યસ્થ જેલમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં નવી જેલ વિભાગ-૧ માં યાર્ડ નંબર-પ ની બેરેક નંબર-૪ માં આપેલો ટોઇલેટમાં તપાસ કરતા પોખરાની અંદર ખાડો કરી પ્લાસ્ટીકની કોથળીમાં બેટરી સાથે ત્રણ મોબાઇલ મળી આવતા જેલના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જે બાબતે સ્ટાફે બેરેકમાં રહેલા ૩૦ કેદીઓને પૂછતાછ કરી હતી પરંતુ કોઇને મોબાઇલ અંગેની કબુલાત આપી ન હતી.
આ ઉપરાંત બેરેક નંબર ર માં તપાસ કરવામાં આવતા ત્યાં પણ પાણી નિકાસની ચોકડીની ધારીમાં ખાડો કરી કોથળીમાં વિંટાળી છુપાયેલો મોબાઇલ મળી આવ્યો હતો જે બાબતે પણ બેરેકમાં રહેલા ૩૩ કેદીઓને પુછતાછ કરવામાં આવી હતી. પરંતુ તેમા પણ કોઇ કબુલાત ન મળતા અમદાવાદ ઝડતી સ્કવોર્ડ દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં અજાણ્યા કાચા કામના કેદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મઘ્યસ્થ જેલમાં લોકડાઉનમાં પણ અગાઉ મોબાઇલ અને વ્યસનની ચીજવસ્તુઓ સાથે દડાના ઘા આવતા હોવાની ઘટના અવાર નવાર બનીવ છે ત્યારે અમદાવાદની ઝડતી સ્કોવોર્ડે ચાર મોબાઇલ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.