Ahmedabad : દિવાળીના તહેવારને લઈને હાલ લોકો પોતાના વતન જવા માટે ઉત્સુક છે અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો માટે વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઘણી બધી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.

રેલ્વે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા:

તહેવારોની સિઝન દરમિયાન અમદાવાદમાં રેલવે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદ રેલવે સ્ટેશન પર વધુ ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરી છે, હાલ 33 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેમાં ઓખા, રાજકોટ, ભાવનગર રેલવે સ્ટેશનથી પણ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

ભીડને નિયંત્રણ લેવા શું નિર્ણય લેવાયો:

સ્ટેશન પર સર્જાતી ભીડને નિયંત્રણમાં લાવવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી 6 નવેમ્બર 2024 સુધી અમદાવાદના સાબરમતી અને આસારવા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે:

મુસાફરોને વહેલી તકે ટિકિટ મળી રહે તે માટે અમે વધારાના કાઉન્ટર પણ શરૂ કર્યા છે અને એક કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે. જેને વોર રૂમ કહેવામાં આવે છે અને અધિકારીઓ તેમાંથી યાત્રીઓની દેખરેખ રાખી રહ્યા છે. તેમજ કોઈપણ પ્રકારની સમસ્યા જણાય તો મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન પર એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. ત્યારે દરેક સ્ટેશન પર તબીબોના નંબર પણ ફરતા કરવામાં આવ્યા છે.

રેલ્વે સ્ટેશન પર RPF જવાનો તૈનાત:

અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે કોઇ જાતની દુર્ઘટના ન બને કે ચોરીની ઘટના ન બને તે માટે રેલ્વે સ્ટેશન પર સતત એનાઉન્સમેન્ટ કરવામાં કરવામાં આવી રહ્યું છે. તેમજ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વેઇટીંગ માટે પહેલા પ્લેટફોર્મની બહાર ટેન્ટ બાંધવામાં આવ્યા છે. અને યાત્રીઓ માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.