એક અઠવાડિયું ફરજ બજાવશે: જરૂર પડ્યે વધુ તબીબો મોકલાશે
દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાએ ઉછાળો મારતા સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસો જેટ ગતિએ વધારો થવા લાગતા સિવિલ હોસ્પિટલમાં તબીબોની સંખ્યા ઓછી હોય જેને ધ્યાને લઇ જામનગરની મેડિકલ કોલેજના ૧૨ જેટલા ડોકટરોને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં સંક્રમણ વધવાને કારણે પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદ વધુ કેસ નોંધાતા હોવાથી હાલત ચિંતાજનક બની ગઈ છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધવાને કારણે સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સામે તબીબોમાં ઘટ હોય જેને ધ્યાને લઇ જામનગરની મેડિકલ કોલેજના ૧૨ રેસિડેન્ટ ડોકટરોને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી ફરજ બજાવવા મોકલવામાં આવ્યા છે. અગાઉ પણ અમદાવાદમાં કોરોનાના કેસો બેફામ ગતિએ વધ્યા હતા ત્યારે પણ જામનગરથી તબીબોને મોકલવામાં આવ્યા હતા ત્યારે ઘણા તબીબો ફરજ દરમ્યાન સંક્રમિત બન્યા હતા જેના કારણે તબીબી આલમમાં રોષ જોવા મળ્યો હતો અને અન્ય તબીબોને અમદાવાદ મોકલવા પર પણ રોક લાગી ગઈ હતી. હાલ ફરીથી અમદાવાદમાં કોરોનાએ બેફામ ગતિએ માથું ઉચકતા અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સામે વધુ તબીબોની જરૂર હોય ત્યારે જામનગરની મેડિકલ કોલેજના ૧૦ રેસિડેન્ટ ડોકટરો અને બે ફેકલ્ટી ડોકટરો સહિત કુલ ૧૨ ડોકટરોને તાત્કાલિક અમદાવાદ સિવિલમાં સેવા બજાવવા મોકલવામાં આવ્યા છે.