સ્ટેશનની વાસ્તુકલા પ્રખ્યાત મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત
એલિવેટેડ રોડ નેટવર્ક દ્વારા હાઈ-સ્પીડ રેલ ટર્મિનલ, મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સાથે કનેક્ટિવિટી
અમદાવાદ ભારત માં સૌથી મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્રો પૈકીનુ એક છે. જૂના સમયમાં આ શહેરને ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. અમદાવાદ રેલવે સ્ટેશનની જુની સંરચનાને ભવ્ય સ્વરુપે પુનર્નિર્માણ કરવાની આવશ્યકતા છે.
ભારતીય રેલવે દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે.અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે અમદાવાદ રેલવે સ્ટેશનના પરિવર્તન ના પરિણામે નવી નોકરીઓનું સર્જન થશે તેમજ અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યાનુસાર અમદાવાદ સ્ટેશનના પુન:વિકાસનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને પ્રોજેક્ટના અમલીકરણ માટે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ ક્ધસ્ટ્રક્શન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જે 13 માર્ચ, ના રોજ ખોલવામાં આવેલ છે. રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્કાયવોક, લેન્ડસ્કેપ પ્લાઝા વગેરેના રૂપમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીને સ્ટેશન પર હેરિટેજ સ્મારકો અને નવા સિટી સેન્ટરના એકીકરણ માટે એક સર્વગ્રાહી દ્રષ્ટિકોણ ની પરિકલ્પના કરવામાં આવી છે.
ઠાકુરે જણાવ્યું હતું કે આ સ્ટેશન બિલ્ડીંગની વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે. કાલુપુર તરફ એમએમટીએચ બિલ્ડિંગના પ્રતિષ્ઠિત ટાવર અમદાવાદ શહેર માટે એક નવું લેન્ડમાર્ક બનશે. આ ઉપરાંત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ઈંટ મિનારા અને ઝુલતા મિનારાના સંરક્ષિત સ્મારકોને સ્ટેશન પરિસરમાં સૌંદર્યલક્ષી રીતે સંકલિત કરવામાં આવશે, જેથી જેથી આ વારસાની મહત્વતા વધશે.આ સ્ટેશનની ડિઝાઇનમાં આયોજિત એક નવો ખ્યાલ અડાલજ સ્ટેપવેલ દ્વારા પ્રેરિત એક ઓપન સ્પેસ એમ્ફીથિયેટર છે. આનાથી સ્ટેશનના સ્થાપત્ય મૂલ્યમાં વધારો તો થશે જ પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મનોરંજન સ્થળ પણ પણ પ્રદાન કરશે.
આ પુન:વિકાસ શહેરની બંને બાજુઓને એકીકૃત કરશે. રેલવે ટ્રેકની ઉપર 15 એકરનો કોન્કોર્સ પ્લાઝા અને 7 એકરનો મેઝેનાઈન પ્લાઝા બનાવવાની યોજના છે. યાત્રીઓ માટે આ કોન્કોર્સમાં વેઇટિંગ એરિયા હશે જેમાં શૌચાલય, પીવાનું પાણી, ફૂડ કોર્ટ, રિટેલ આઉટલેટ્સ, કિઓસ્ક, બેબી ફીડિંગ રૂમ વગેરે જેવી સુવિધાઓ હશે.એક એલિવેટેડ રોડ નેટવર્ક સ્ટેશનની ગીચતા ઘટાડશે અને નેશનલ હાઈ સ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન), મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સાથે રેલવેના મલ્ટિમોડલ એકીકરણની સુવિધા આપશે. તે યાત્રીઓ અને શહેરના રહેવાસીઓને વધુ સારો અનુભવ અને ગતિશીલતા પ્રદાન કરશે.
આ યોજના હેઠળ અલગ આગમન/પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસરમાં ભીડ-મુક્ત અને સરળ પ્રવેશ/નિકાસ, ભૂગર્ભ પાર્કિંગ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. આ રેલવે સ્ટેશન વિકલાંગોને અનુકૂળ રહેશે. સમગ્ર સ્ટેશન પરિસરમાં લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવશે.ઉર્જા, જળ અને અન્ય સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ, પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વગેરે માટેની સુવિધાઓ સાથે સ્ટેશન બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ હશે .આ સ્ટેશન નિપુણતાથી ડિઝાઇન કરાયેલ શ્રેષ્ઠ સ્ટેશન પ્રબંધન માટેની સુવિધાઓની સાથે સાથે આધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેકનિકથી પણ સજ્જ હશે. વધુ સારી રીતે હેન્ડલિંગ માટે ઓટોમેટેડ સિસ્ટમ સાથે પાર્સલ ડેપોનું આયોજન કરવામાં આવેલ છે.