વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે છારોડી ગુરુકુળ ખાતે બનેલી જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી પહોંચ્યા હતા . 40 કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલમાં યોગ, આયુ્ર્વેદ એલોપથીથી લોકોને નજીવા દરે સારવાર કરી આપવામાં આવશે. રવિવારે સાંજે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં સ્વામિનારાયણ ગુરુકુળના વરિષ્ઠ સંતો હાજર રહ્યા હતા.
40 કરોડના ખર્ચે હોસ્પિટલ નિર્માણ પામી
યોગ, આયુર્વેદ અને એલોપથીથી સારવાર કરતી હોસ્પિટલ કુલ 40 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. દોઢ લાખ સ્ક્વેર ફિટમાં ફેલાયેલી હોસ્પિટલ સાત માળની છે અને તેમાં મેડિકલના લેટેસ્ટ તમામ ઇક્વિપમેન્ટસ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં મળતી સુવિધા અંગેની માહિતી આપતા સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, 200 બેડની હાલમાં તેમાં સગવડતા ઊભી કરાઈ છે. નિષ્ણાંત ડોક્ટર્સ-વૈદ્યો અને અત્યાધુનિક સાધનો દ્વારા રોગોની તપાસ અને સારવાર કરાશે. આયુર્વેદ વિભાગમાં કેન્સર, કિડની, ક્ષારસૂત્ર, સૌંદર્ય ચિકિત્સા, નાડી પરીક્ષા, પંચકર્મ, વ્યસન મુક્તિ, ગ્રીવા બસ્તી, કટિબસ્તી, જાનુબસ્તી, રક્ત મોક્ષણ વગેરે કરવામાં આવશે.