પોતાની જાતને શ્રેષ્ઠ કરવા જતા હાર્દિક એકલો પડયો: ત્રણ વર્ષ જુના કેસમાં હાર્દિકની ધરપકડ કરાઈ
પાટીદાર અનામત આંદોલનથી પ્રસિઘ્ધી મેળવનાર હાર્દિક પટેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તે હાલ સંપૂર્ણપણે એકલો પડી ગયો હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. એક પછી એક બંધ થયેલ તમામ કેસો હાર્દિક વિરુઘ્ધનાં ફરી ખુલતા હાર્દિક પટેલની તકલીફમાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈ હાલ હાર્દિક પટેલ પરેશાન થયો હોવાનું પણ સામે આવ્યું છે. પાટીદાર સમાજ માટે પાટીદાર અનામત આંદોલન ત્યારબાદ કોંગ્રેસમાં તેનું જોડાવવું આ બંને મુદાઓમાં તે પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનવા અને પોતાની શ્રેષ્ઠની છબી ઉભી કરવા હાલના સમયે તે હવે એકલો પડી ગયો છે. કોંગ્રેસમાં જોડાયા બાદ કોંગ્રેસ પક્ષ પણ તેનો સાથ આપવામાં પીછેહઠ કરી રહ્યું છે ત્યારે ટંકારા કોર્ટની બહાર જ હાર્દિક પટેલને અમદાવાદ પોલીસે ઉઠાવી લીધો હતો અને તેની ધરપકડ કરી હતી.
ગુજરાત કોંગ્રેસનાં યુવા નેતા હાર્દિક પટેલ ટંકારા કોર્ટમાંથી ૩ વર્ષ જુના કેસમાં રામોલ પોલીસ અને બપોલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી હાર્દિક પટેલ અજ્ઞાતવાસ ભોગવી રહ્યો હતો પરંતુ થોડા દિવસ પહેલા તેને સુરત કોર્ટમાં પણ હાજરી આપી હતી. ૧૧ જાન્યુઆરીની રાત્રે રાજદ્રોહ કેસમાં ગેરહાજર રહી કાનુની પ્રક્રિયામાં જાણી જોઈ વિલંબ નાખી મુદતમાં વધારો કરવા માટે એડિશનલ સેશન્સ જજ બી.જે.ગણાત્રાને ધરપકડ વોરંટ કાઢયું હતું ત્યારબાદ તેની ધરપકડ વિરમગામ પાસેથી કરવામાં આવી હતી. રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળતા જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો. જેલ બહાર આવતા જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આ કેસમાં તેને જામીન પણ મળ્યા હતા. હાલના તબકકે હાર્દિક પટેલની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. પોતાની સર્વોપરીતા સાબિત કરવા માટે હાર્દિક પટેલ દ્વારા જે પગલા લેવામાં આવ્યા તેનાથી તેની છાપ કોંગ્રેસ પક્ષમાં એટલી જ ખરાબ થઈ છે.
પાટીદાર અનામત આંદોલન થકી જે રીતે હાર્દિક પટેલ સમાજમાં ઉચ્ચ હોદો ભોગવવા માટેનો જે સ્વપ્ન જોયા હતા તેને ચરિતાર્થ કરવા માટે તેને સમાજને નહીં પરંતુ પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે કામગીરી હાથધરી હતી તેમાં પણ તેને નિષ્ફળતા મળતાની સાથે જ તે સમાજમાં એકલો પડી ગયો હતો ત્યારબાદ તે રાજકારણમાં આવતા તેને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયો હતો પરંતુ તેની કામ કરવાની પઘ્ધતિના કારણે પક્ષમાં પણ તે એકલો પડી જતા હાલ તે એક પછી એક કેસોમાં ફરી સંડોવાઈ રહ્યો છે ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, પોતાની જાતની શ્રેષ્ઠ સાબિત કરવા માટે તે તમામ લોકોથી વિખુટો પડી ગયો છે.