Ahmedabad : પોલીસ માટે નવરાત્રિ જેવી જ સ્થિતિ દિવાળીમાં સર્જાઈ રહી છે. ત્યારે અમદાવદામાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. ત્યારે વર્ષના સૌથી મોટા તહેવારોની મુક્ત મનની ઉજવણીમાં કાયદાનું બંધન અનુભવાતું હોવાનું અનેક નાગરિકો કહે છે. આ વર્ષે દિવાળીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા કરવામાં આવી છે. તેમજ ધ્વનિ અને વાયુ પ્રદૂષણ અંગેના કાયદા કાગળ ઉપર મજબૂત છે. પરંતુ આ કાયદાઓની અમલવારી ઈચ્છા પડે ત્યારે અને પોતાની ઈચ્છાપૂર્તિ માટે અમુક પોલીસકર્મી કરતાં હોવાની લોકફરિયાદો પણ કાયદાઓ જેટલી જ મજબૂત છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામા અનુસાર, ધ્વનિ પ્રદૂષણ નિયમો 2000 અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નક્કી કરાયાં છે તેનું ચૂસ્તપણે પાલન જરૂરી છે. તેમજ દિવાળીમાં ફટાકડા ફૂટવાના કારણે અને નવરાત્રિ તેમજ લગ્નપ્રસંગ અને મેળાવડાઓ દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોથી પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે.

પ્રતિબંધ 31મી ડીસેમ્બર સુધી લંબાવતું જાહેરનામું

રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં હોર્ન, ધ્વનિ, પ્રદૂષણ પેદા કરતાં બાંધકામ અંગેના સાધનો તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડ સ્પીકર અને વાજિંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ છે. આ દરમિયાન અમદાવાદમાં અમલમાં રહેલો આ પ્રતિબંધ 31મી ડીસેમ્બર 2024 સુધી લંબાવતું જાહેરનામું પોલીસ કમિશનરે જાહેર કર્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની સત્તા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારીને આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.