ક્રિકેટ રસિકોએ ભારત-પાક મેચ માટે હોટેલ બુકીંગ, ટ્રાવેલ બુકીંગ શરૂ કર્યું
ભારતમાં 5 ઓક્ટોબરથી વિશ્વકપ કપ શરૂ થઇ રહ્યો છે. વર્લ્ડકપને આડે હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ક્રિકેટ ચાહકો 15 ઓક્ટોબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. જેને લઈને સમગ્ર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એટલું જ નહીં અહીં વિશ્વ કપ નો મેચ નિહાળવા માટે હવાઈ ભાડામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. હાલની સ્થિતિ મુજબ હજુ પાકિસ્તાનનો નક્કી નથી કે તે ભારતમાં વિશ્વ કપ રમવા આવે પરંતુ તે પૂર્વે આ મેચને ધ્યાને લઇ હવાઈભાડામાં 350 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
ભારત-પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદમાં હોટલના રેટમાં વધારો થયા બાદ અમદાવાદની ફ્લાઇટનું ભાડું પણ વધી ગયું છે. મેકમાયટ્રીપની વેબસાઈટ પર જુલાઈના અંતમાં અને ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી અમદાવાદની ટિકિટ 2500-3000 રૂપિયાની વચ્ચે મળે છે, પરંતુ 14 ઓક્ટોબરે આ જ ટિકિટ 20 હજાર કે તેથી વધુ રૂપિયામાં મળી રહી છે. આવી સ્થિતિમાં આ વધારો ઘણો છે. વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચના એક દિવસ પહેલા અમદાવાદની એર ટિકિટ 10 હજારથી શરૂ થાય છે. 14 ઓક્ટોબરે સૌથી સસ્તી ટિકિટ ઈન્ડિગો એરલાઈન્સની છે.
આ ટિકિટની કિંમત 9,011 રૂપિયા છે. એર ઇન્ડિયાની ટિકિટ 12થી 25 હજાર વચ્ચે છે. સ્પાઇસ જેટ એરલાઇન્સની વાત કરીએ તો 14 ઓક્ટોબરે ટિકિટની કિંમત 20,207 રૂપિયા છે.અમદાવાદની ટિકિટમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે આ વૃદ્ધિ વર્તમાનની સરખામણીમાં 6 ગણી વધી ગઇ છે. અમદાવાદ માટે દિલ્હી કે મુંબઈથી એર ટિકિટ મોંઘી જ મળી રહી છે. મેચને લઈને ઉત્સાહિત લોકો અત્યારથી જ અમદાવાદની ટિકિટ બુક કરાવી રહ્યા છે.