- અમદાવાદના આંબલી-બોપલ રોડ પર નબીરાએ 5 વાહન અડફેટે લીધા
- અકસ્માત બાદ નશામાં ધૂત નબીરાએ સિગારેટના કસ માર્યા, સ્થાનિકોએ ફટકાર્યો
આંબલી-બોપલ રોડ પર આજે સવારે અકસ્માતની ઘટના બની હતી. એક નબીરો વૈભવી કાર લઇને નીકળ્યો હતો અને ટાટાના શો રૂમ પાસે અકસ્માત કર્યો હતો.
અમદાવાદ: શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે. અમદાવાદના આંબલી-બોપલ રોડ પર નબીરાએ અકસ્માત કર્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ફરી એક વખત નબીરાએ અકસ્માત સર્જ્યો છે. આંબલી-બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વૈભવી ઓડી કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. કાર ચાલકે પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ નબીરાને ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઓડી કારચાલકને પોલીસ સ્ટેશન લઇ જવાયો છે. કાર ચાલકે સર્જેલા અક્સમાતને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને લોકોએ કાર ચલાકને માર મારવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટના સ્થળે હાજર વ્યક્તિએ જણાવ્યું કે, મારી કાર પણ અડફેટે લીધી હતી. બીજા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. 100થી વધુની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ નબીરાઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી સુધરવાના નથી. કાર અથડાઈ તે બાદ કારમાં બેઠા-બેઠા સ્મોકિંગ કરી રહ્યો હતો. કારમાંથી બહાર કાઢ્યો તો સ્પ્રે લગાવતો હતો.
આંબલી-રોડ પર આવેલા ફોર વ્હીલના શો રૂમ પાસે આ અકસ્માત સર્જાયો હતો. કાર શો રૂમના બેરિકેટ સાથે અથડાઈ હતી. લગભગ ચાર-પાંચ કારને ટક્કર મારીને કાર બેરિકેટ સાથે અથડાઈ હતી. લોકોનું માનવું છે કે, કાર ચાલક નશાની હાલતમાં હતો.
ચાલક અકસ્માત બાદ કારમાં સિગારેટ પીતો હતો
અકસ્માતનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યા અનુસાર, તે ઓફિસ જઇ રહી હતી ત્યારે ઓડી કારના ચાલકે ટક્કર મારી હતી અને ઢસડી હતી. ચાલક નશામાં હતો અને તેને કંઇ ભાન ન હતું. તે અકસ્માત કર્યા બાદ કારમાં બેઠાં બેઠાં સિગારેટ પી રહ્યો હતો. તેણે ફરી કાર ચલાવી હતી અને ટાટા મોટર્સના શો રૂમ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.
ઓડી કાર ચલાવી રહેલા યુવકે હેરિયર કારને ટક્કર મારી હતી. એક ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય કાર સાથે અથડાયો હતો. બાદમાં ઓડી કારે એક નેક્સન કારને પણ ટક્કર મારી હતી અને ડિવાઇડર સાથે અથડાઈને ઓડી કાર ઉભી રહી ગઇ હતી.