શહેરના જ્યુબીલી ગાર્ડનમાં મોડીરાતે એક શખ્સ ડ્રગ્સની સપ્લાય કરવા આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્ટાફે દરોડો પાડી અમદાવાદના શખ્સને રુા.3 લાખની કિંમતના 29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.
અમદાવાદથી રાજકોટ ડ્રગ્સ પહોચાડવા 21 વર્ષિય યુવાન પેડલ બન્યો: છ માસથી ખેપ મારતો હોવાની શંકા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ અમદાવાદના દાણી લીમડા વિસ્તારના અલ્લાહનગર નુરાની મહોલ્લાના વતની અને છેલ્લા છ માસથી રાજકોટના રુખડીયાપરામાં માસી જુબેદાબેન ગફારભાઇ ચૌહાણના ઘરે રહેતા સિકંદર ઇશાક શેખ નામના શખ્સને રાતે ત્રણ વાગે જ્યુબીલી ગાર્ડનમાંથી રુા.3 લાખની કિંમતના એમ.ડી.ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ટી.ગોહિલ, એસઓજી પીએસઆઇ ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ અમરેલીયા, કિશનભાઇ આહિર, કિશોરભાઇ ઘુઘલ, અજયભાઇ ચૌહાણ અને અરુણભાઇ બાંભણીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે ધરપકડ કરી છે.
માત્ર 21 વર્ષના સિકંદર શેખ ડ્રગ્સનો પેડલર કંઇ રીતે બન્યો, અમદાવાદ છોડીને રાજકોટ કેમ સ્થાયી થયો અને અત્યાર સુધીમાં એમ.ડી.ડ્રગ્સની કેટલી ખેપ મારી તેમજ તેને ડ્રગ્સ કયાંથી લાવ્યો તે અંગેની પૂછપરછ માટે એ ડિવિઝન પોલીસે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.