અમદાવાદમાં આજથી (25 ડિસેમ્બર) કાંકરિયા કાર્નિવલ 2024ની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ 31 ડિસેમ્બર સુધી ચાલશે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે 7 વાગ્યે વિધિવત રીતે કાર્નિવલ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ કાર્નિવલ 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર 2024 સુધી એટલે કે 7 દિવસ સુધી ચાલશે. કાર્નિવલમાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ રિલીઝમાં ‘નો પાર્કિંગ’, ‘નો સ્ટોપ’ અને ‘નો યુ ટર્ન’ જાહેર કરાયેલા સ્થળોની વિગતો છે. આ સાથે કાર્નિવલને ધ્યાનમાં રાખીને જે વિસ્તારોમાં ટ્રાફિક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેની પણ માહિતી આપવામાં આવી છે.
- અમદાવાદ ટ્રાફિક પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર કાંકરિયા તળાવની આસપાસ જારી કરાયેલી નવી ટ્રાફિક એડવાઈઝરી નીચે મુજબ છે.
ડાયવર્ઝનના રસ્તાઓ ક્યાં ઉપયોગ કરવા
- કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલવે યાર્ડ થઈ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઈ ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઈ શકશે નહીં. વળી, તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહીં.
- સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઈ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને ‘નો યુ ટર્ન’ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
- તેમજ પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાઓના આમુખમાં નિર્દિષ્ટ કરેલ જાહેરનામાઓથી શહેરમાં અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક 08.00થી રાત્રિના કલાક 01.00 સુધી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
- દાણીલીમડા ચાર રસ્તા થઈ શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
- ચાંદોલા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
- મણિનગર રેલવે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
- કાગડાપીઠ ટીથી વાણિજ્ય ભવન થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
- રાયપુર દરવાજાથી બિગબજારથી પારસી અગિયારી ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
- ગુરુજી બ્રિજથી આવકાર હોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
અપવાદ: સદર કાર્યક્રમ સાથે સંકળાયેલાં વાહનો, ફરજમાં રોકાયેલાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા. 25/12/2024થી તા. 31/12/2024 સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
નોંધ, પ્રકાશનમાં જણાવાયું છે કે આ સૂચના કાર્નિવલમાં ભાગ લેવા માટે આવેલા વાહનો, સરકારી ફરજ પરના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં આ વિસ્તારમાંથી પસાર થતા વાહનોને લાગુ પડશે નહીં .
આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે આવતીકાલથી શરૂ થઈ રહેલો કાંકરિયા કાર્નિવલ અનેક રીતે ખૂબ જ ખાસ બનવાનો છે. કાર્નિવલ દરમિયાન, AMC શાળાઓ અને આંગણવાડીઓમાં અભ્યાસ કરતા લગભગ 1000 બાળકો ચોકલેટ અને કેન્ડીનાં રેપર ખોલીને એકસાથે ખાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવશે.
જેની નોંધ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરવામાં આવશે. આ સાથે કાંકરિયા કાર્નિવલમાં પ્રથમવાર ડ્રોન શોનું આયોજન થવા જઈ રહ્યું છે. આર્ટ ડિસ્પ્લે, ફેશન શો, મ્યુઝિક શો, સ્ટેન્ડ અપ કોમેડી, ફૂડ સ્ટોલ, શોપિંગ સહિત એવી ઘણી વસ્તુઓ છે, જે લોકોને અહીં આવવા માટે મજબૂર કરશે.