- ગુનાને રોકવા પોલીસ તૈનાત રહેશે
- પ્રવેશ સમયે ચેકિંગ કરાશે
- બહોળી સંખ્યામાં લોકો મુલાકાત લેશે
Kankaria Carnival 2024: અમદાવાદમાં આજથી સાત દિવસ એટલે કે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન મનપા આયોજિત 15મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે. એક અઠવાડિયા સુધી ચાલનારા રંગારંગ કાર્યક્રમોમાં સૌપ્રથમવાર ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 3 દિવસ ગુજરાતી કલાકારો પર્ફોર્મન્સ પણ કરવાના છે. AMC આ વર્ષે લોકોને જે ગેટ ઉપર નાગરિકો જવા માંગતા હોય તેના માટે થઈને QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે.
વિવિધ કાર્યક્રમો યોજાશે
શહેરીજનો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ વિશેની તમામ માહિતી મેળવી શકે તે માટે થઈને પણ QR કોડ જાહેર કરવામાં આવ્યૂ છે જેને સ્કેન કરીને માહિતી મેળવી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 સ્ટેજ બનાવાયા છે અને લેસર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે અને નગીના વાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ રાખવામાં આવ્યા છે. તેમજ મ્યુનિસિપલ સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં 1,000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી ચોકલેટ ખોલીને એને સંપૂર્ણ ખાઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકશે.
સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો ગીત-સંગીત, લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. તેમજ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત વિખૂટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરાશે. CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે. નિર્ધારીત પાર્કિંગની જગ્યા સિવાય કોઈપણ જગ્યાએ પાર્ક થઇ શકશે નહીં.
ગુનાને રોકવા પોલીસ તૈનાત રહેશે
કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે, જેમાં 2 DCP, 6 ACP, 16 PI, 63 PSI સહિત 1300 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તેમજ 9 જેટલી શી ટીમ ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ કાંકરિયામાં ફરશે. જ્યારે SRPની એક કંપની એટલે કે 70 જવાનો ખડેપગે રહેશે.
CCTVથી સજ્જ હશે તળાવ
કાંકરિયા લેકમાં તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં VVIP સહિત બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેમજ તેને લઇને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા મિટિંગ યોજી પ્લાન તૈયાર કર્યો છે. જેમાં છેડતી, ચોરી, જેવી ઘટના ન બને તે માટે સમગ્ર કાંકરિયા લેક CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
પ્રવેશ સમયે ચેકિંગ કરાશે
અલગ અલગ સ્ટેજ ખાતે કાર્યક્રમ પણ થતા હોય, લોકોને અંદર પ્રવેશ આપવા સમયે ખાસ ચેકિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. તેમજ બોમ્બ ડિસ્પોઝલની 6 ટીમો રાઉન્ડ ધ કલોક એન્ટી સબોર્ટેઝ ચેકીંગ માટે રહેશે. બાળકો અને ગુમ થયેલા લોકો તાત્કાલિક મળી જાય તે માટે સાતેક જગ્યાએ પોલીસ સ્ટાફ તથા કોર્પોરેશનના સ્ટાફ દ્વારા સંકલન કરીને જાહેરાત કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે.
બહોળી સંખ્યામાં લોકો મુલાકાત લેશે
વર્ષ 2024 ની જેમ ચાલુ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલની બહોળી સંખ્યામાં લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. તેમજ મુલાકાતીઓની સુરક્ષા, સલામતીને ધ્યાનમાં લઈને AMC દ્વારા રૂપિયા 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.