Ahmedabad : આગામી 25થી 31 ડિસેમ્બર દરમિયાન 15મા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો સહિત અનેક કાર્યક્રમો યોજાશે. તેમજ કાંકરિયા કાર્નિવલ અંગે સ્ટેડિંગ કમિટીના ચેરમેન અને ડે. મ્યુનિસિપલ કમિશ્નરે જાણકારી આપી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો, લોક ડાયરો સહિત અનેક કાર્યક્રમો યોજાશે
સ્ટેડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, અમદાવાદમાં આ વખતે 15મા કાંકરિયા કાર્નિવલનું આગામી 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. તેમજ કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો, લોક ડાયરો સહિત અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ આ વખતે કાંકરિયા કાર્નિવલના સાત દિવસમાં કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવે સહિતના ગુજરાતના પ્રખ્યાત કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ કરશે. જ્યારે રાતના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ લેસર શો, ડ્રોન શો, આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજવામાં આવશે.
2024 માં, મુલાકાતીઓ ચંદ્રયાન-3 અને માય સિટી માય પ્રાઇડ થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ પર સેલ્ફી લઈ શકશે. આ ઉપરાંત વધુમાં, હેરિટેજ અમદાવાદ અને ડેવલપિંગ ઇન્ડિયાની થીમ પર આધારિત વર્ચ્યુઅલ રિયાલિટી શો એક અનોખો ઇમર્સિવ અનુભવ પ્રદાન કરશે.
કાંકરિયા કાર્નિવલ દરરોજ અદભૂત લેસર શો સાથે સમાપ્ત થાય છે. આ શોની થીમ “વિકસિત ગુજરાત, વિકસિત ભારત” છે અને તે જોઈને પ્રવાસીઓ ચોક્કસ મંત્રમુગ્ધ થશે. આ દરમિયાન વર્ષની આ મોસ્ટ અવેઈટેડ ઈવેન્ટ માટે બહોળી સંખ્યામાં લોકો અમદાવાદ આવશે તેવી અપેક્ષા છે.
કાંકરિયા કાર્નિવલમાં સવારે 6થી 10 દરમિયાન યોગા, પ્રાણાયમ, ફિટનેસ, અલગ-અલગ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જ્યારે બપોરના 3થી 5 વાગ્યામાં લોકો વધુને વધુ ભાગીદારી નોંધાવે તેવા કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે, જેમાં આર્ટ ઍન્ડ કલ્ચરમાં ટેટુ મેકિંગ, મહેંદી વર્કશોપ, ફોટોગ્રાફી વર્કશોપ, ગેમિંગ ઝોનમાં વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે આશરે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેસર શો, ગન શો, સ્ટીલ્ટ વોકિંગ, એક્વાયર શો, ફાયર શો, સર્કસ સહિતના અલગ-અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.