ફિલ્મોની અસર લોકોની રોજ બરોજની જિંદગીમાં જોવા મળે છે. તેમાંથી સારી વસ્તુ પણ શીખવા મળે અને બે નંબરના કામ કેવી રીતે કરવા તે પણ તમે જાણી શકો. હાલ અમદાવાદમાં એક દારૂની સપ્લાય કરતો કેસ સામે આવ્યો છે. તેમાં મહિલાઓ ફિલ્મી ઠબે દારૂની હેરાફેરી કરતા પકડાય છે.
મહારાષ્ટ્રની ચાર યુવતીઓ બેગમાં બિયરના ટીન છુપાવી અમદાવાદ બુટલેગરોને સપ્લાય કરતી હતી. ચારેય મહિલાઓ દારૂનો જથ્થો બેગમાં મૂકી ટ્રેનના અલગ અલગ કોચમાં બેસી અમદાવાદમાં દારૂની સપ્લાય કરતી. આ સપ્લાયમાં ટ્રેનની મુસાફરી દરમિયાન એક બીજાથી અજાણી બની એક દમ ફિલ્મી ઠબે પ્લાંનિંગ કરી બુટલેગરોને માલ પોંહચાડતી હતી.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI એ.જે.ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે, ‘નવા નરોડા વિસ્તારમાં આવેલી નવી કેનાલ પાસે મહારાષ્ટ્રની કેટલીક યુવતી વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાની છે.’ બાતમીના આધારે યુવતીઓની ગેંગને પકડવા પોલીસે પણ દબંગી દિમાગ લગાવ્યો. બાતમીદારે જે ઠેકાણું આપ્યું હતું ત્યાં પોલીસે નિગરાની રાખવાનું ચાલુ કર્યું. આખરે પેલી યુવતીઓ પોલીસની જાળમાં ફસાય ગઈ.
આ યુવતીઓને 214 બિયરના ટીન સાથે કૃષ્ણનગર પોલીસે પકડી હતી. બાતમીના આધારે કૃષ્ણનગર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં ચાર યુવતીઓ ત્યાથી પસાર થઇ હતી તેમને જોતાની સાથે પોલીસે તેમની અટકાયત કરી હતી અને થેલાની તલાશી લીધી હતી. પોલીસને યુવતીના થેલા માંથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો.
કૃષ્ણનગર પોલીસે મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યા પર રહેતી લક્ષ્મી માછરે, પુર્ણીમા ભાટ, પુજા તમાઉચીકર અને સુનિતા ટીડેગેની 214 બીયરના ટીન સાથે ધરપકડ કરી છે. આ મહિલાઓ કુબેરનગરમાં રહેતા બુટલેગર તેજસ તમચેને આ બીયરનો જથ્થો આપવાની હતી.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.જે.ચૌહાણે જણાવ્યુ છે કે, ‘મહારાષ્ટ્રની આ ચાર યુવતીઓ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે દારૂની ખેપ મારતી હતી. ચારેય યુવતીઓ દારૂનો જથ્થો અલગ અલગ બેગમાં મુકીને ટ્રેનમાં બેસી જતી હતી અને ડબ્બામાં બેસતી હતી. ચારેય યુવતીઓ અગાઉ પણ અમદાવાદમાં દારૂની ખેપ મારી હોવાનું સામે આવ્યુ છે. હાલ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.’