- અમદાવાદ: હિમાલયા મોલમાં આગ લાગતાં નાશભાગ
- ફાયરની 6 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ
ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. આજે (8 જાન્યુઆરી, 2025) અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં ચોથા માળે ACમાં આગ લાગી હતી. આગની ઘટના બનતા જ મોલમાં અફરાતફરી મચી હતી. મળતી માહિતી અનુસાર, ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની 6 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે. પ્રાથમિક અંદાજ અનુસાર, ACમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. આગની ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
આગ લાગતા મોલમાં દોડધામ મચી હતી
હિમાલયા મોલમાં ચોથા માળે ACમાં અચાનક આગ લાગી હતી. જે આગ પ્રસરતા દોડધામ મચી હતી. આગની માહિતી મોલમાં મળતા જ હાજર ગ્રાહકો અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોલ હોવાથી શોપિંગ કરવા નિકળેલા લોકો આગ લાગવાને કારણે ડરીને ભાગી ગયા હતા. મોલમાં આવેલા થિયેટરમાં મુવી જોઈ રહેલા લોકો ડરી ગયા હતા. મોલમાં હાજર સૌ કોઈ બહાર દોડી ગયા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જણાવી દઈએ કે, આ અગાઉ પણ આ હિમાલયા મોલમાં આગની ઘટના બની હતી.
ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
હિમાલયા મોલમાં ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો છે.
કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી
ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે મોલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.