અયોધ્યા લગ્નપ્રસંગે જતી વેળાએ ક્ધટેનર પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
અબતક-રાજકોટ
ઉત્તરપ્રદેશમાં આવેલા નારાયણપર ગામ નજીક અમદાવાદના પરિવારને એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં દંપતિ અને બે બાળકો સહિત એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશ રહેતા અને ઘણા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા આ પરિવાર અયોધ્યા લગ્નપ્રસંગ માટે જઇ રહ્યો હતો ત્યારે ઉત્તરપ્રદેશમાં ક્ધટેનર પાછળ કાર ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદમાં રહેતો પરિવાર પોતાની કારમાં અયોધ્યા લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. તે દરમ્યાન ઉત્તરપ્રદેશમાં બારાબંકી જિલ્લામાં નારાયણપર ગામ પાસે ગઇકાલે મોડી રાત્રે 3:00 વાગ્યાના અરસામાં આ પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. ગત્ મોડી રાત્રે આગળ જતા ક્ધટેનરમાં અમદાવાદના પરિવારની કાર ઘૂસી જતાં આ પરિવારના છ સભ્યોને કાળ ભેટ્યો હતો.
મળતી માહિતી મુજબ મૃતકો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હતા પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. તેથી અયોધ્યામાં લગ્નપ્રસંગ હોય જ્યાં હાજરી દેવા માટે અમદાવાદનો પરિવાર પોતાનો કાર લઇને નીકળ્યો હતો. ત્યારે મોડી રાત્રે ક્ધટેનર પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના દંપતિ અને બે બાળકો સહિત કુલ છ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને રસ્તા પરથી નીકળતા રાહદારીઓ પણ મદદે દોડી ગયા હતા. આ અંગે પોલીસને માહિતી મળતા જ તુરંત જ લોકલ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસ પ્રાથમિક તપાસમાં આ પરિવાર અમદાવાદનો હોવાનું જાણવા મળતા અમદાવાદ પોલીસ મથકને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી અને તમામ મૃતદેહને નજીકના હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.