લીલીઝંડીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફેબ્રુઆરીમાં શિલાન્યાસની તથા ૨૦૨૨માં એરપોર્ટની સાથે એકસપ્રેસ-વે પણ તૈયાર થાય તેવી સંભાવના

સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાને જોડતા અમદાવાદ ધોલેરા એકસપ્રેસ-વેને લીલીઝંડી મળી છે. અમદાવાદ ધોલેરા એકસપ્રેસ વે પ્રોજેકટ માટે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા ત્રણ વિભાગ માટે રૂ.૨૪૩૧ કરોડના ટેન્ડરને મંજુરી મળી છે. ગુજરાત ધોલેરા સ્માર્ટ સિટીમાં ૧૦ લેન સુધી વિસ્તારિત કરવાના પ્રાવધાનો સાથે છ લેનના ડબલ પટ્ટીનો રાજમાર્ગ બનાવવામાં આવશે. માર્ચ ૨૦૧૦માં આનો ખર્ચ અંદાજે રૂ.૨૨૦૦ કરોડ હતો જે હવે વધીને ૩૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયો છે.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેકટનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત ટેન્ડરની આખરી તારીખ ફેબ્રુઆરી મધ્ય રાખવામાં આવી છે અને આ પ્રોજેકટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે આ બહુ આયામી પ્રોજેકટ છે ભુતકાળમાં પણ આવા કોઈ પ્રોજેકટ થયા નહીં હોય આ પ્રોજેકટ અંતર્ગત ૧૧૦ કિલોમીટર એકસપ્રેસ વે ધોલેરા એસઆઈઆર અને ભાવનગર તેમજ અમરેલીના દરિયાઈ કાઠાને જોડતા ધોલેરાના એરપોર્ટ થઈ અમદાવાદને જોડશે.

મહત્વનું છે કે, એકસપ્રેસ વે કામ પુરુ થતા સુધીમાં ધોલેરાનું એરપોર્ટ પણ તૈયાર થઈ શકે છે. રાજય સરકાર અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાને ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટનો વિકાસ માટે તમામ મંજુરી મળી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં શરૂ થનાર વાઈબ્રન્ટ સમિટ દરમિયાન રાજય સરકાર અને એએઆઈ વચ્ચે અંતિમ કરાર થઈ શકે છે. મહત્વનું છે કે, અમદાવાદ ધોલેરા એકસપ્રેસ વે માટે ૮૦ ટકા જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થયું છે અને લગભગ રૂ.૬૦૦ કરોડ રૂપિયાના વધુ ટેન્ડરની જાહેરાત પણ થઈ શકે છે.

મહત્વનું છે કે એકસપ્રેસ વે અમદાવાદ અને ભાવનગર સાથે સ્માર્ટ સિટી ધોલેરાને જોડશે. ત્રણ શહેરોને જોડવા ઉપરાંત તે વટામણ ચોકડી અને પીપળીથી પણ પસાર થશે અને ક્ષેત્રમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડી શકશે. આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાને જોડતા અમદાવાદ ધોલેરા એકસપ્રેસ વેને લીલીઝંડી મળી જતા હવે ભાવનગર અમરેલીનું અંતર પણ ઘટી શક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.