પુરવઠા તંત્ર ભીનું સંકેલવાની ભૂમિકા ભજવે નહિ તે માટે તેને જાણ સુધ્ધા કર્યા વગર જ અમદાવાદ સાયબર સેલે ૧૧ શખ્સોને ઉઠાવી લીધા : અગાઉ જો પુરવઠાએ જ ચીવટ રાખી હોત તો કૌભાંડે આટલું મોટુ સ્વરૂપ ધારણ કર્યું ન હોત
કૌભાંડમાં સંડોવાયેલા ઘણા સસ્તા અનાજના વેપારીઓમાં ફફડાટ, રાજીનામાં ધરી દેવાની તૈયારીમાં
ભૂતિયા રાશનકાર્ડને આધારથી મેપિંગ કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં અમદાવાદ સાયબર સેલે રાજકોટ પુરવઠા તંત્રને અંધારામાં રાખીને સમગ્ર કાર્યવાહી કરી હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઘટના પરથી ચોક્કસ પણે કહી શકાય કે અમદાવાદ સાયબર સેલને રાજકોટ પુરવઠા તંત્રની કામગીરી ઉપર શંકા હોય તે ભીનું સંકેલે નહીં તે માટે તેને અંધારામાં રાખીને સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે બીજી બાજુ એવી પણ ચર્ચા થઈ રહી છે કે જો પુરવઠા તંત્રએ અગાઉથી જ ચીવટ રાખીને વેપારીઓ અને ઓપરેટરો ઉપર ધોસ બોલાવી હોત તો કૌભાંડે આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત.
ભૂતિયા રાશનકાર્ડને આધારથી મેપિંગ કરવાના રાજ્યવ્યાપી કૌભાંડને રાજ્ય સરકારે ખુલ્લું પાડવા માટે અમદાવાદ સાયબર સેલને છુટો દોર આપી દીધો છે. અગાઉ સાયબર સેલે પશ્ચિમ ઝોનલ ઓફિસના ઓપરેટર કુલદીપ હસમુખ અગ્રાવત અને રાજકોટના ૪ અનાજના વેપારીઓને ઉઠાવી લીધા હતા. બાદમાં ફરી ઝોનલ-૪ના ઓપરેટર વિજય પવાર તેમજ અન્ય પાંચ વેપારીઓને ઉઠાવી લીધા હતા. આ તમામ શખ્સોની અમદાવાદ સાયબર સેલે સઘન પૂછપરછ આદરીને સ્ફોટક વિગતો બહાર કાઢી છે. જો કે આ વિગતો હજુ સાયબર સેલે જાહેર કરી નથી. આ વિગતોના આધારે સાયબર સેલે આગળની તપાસ આદરી છે. જો કે અમદાવાદ સાયબર સેલ કડકાઇથી કાર્યવાહી હાથ ધરી રહી હોય મોટાભાગના સસ્તાં અનાજના વેપારીઓમાં સોપો પડી ગયો છે. જે વેપારીઓ આ કૌભાંડમાં સામેલ છે તેઓ નામ ખુલે તે પૂર્વે જ રાજીનામાં ધરી દેવાની તૈયારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં મળતી માહિતી મુજબ અમદાવાદ સાયબર સેલે રાજકોટમા પહોચીને આટલી મોટી કાર્યવાહી કરી તેમ છતાં પુરવઠાને તે અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી. પુરવઠા તંત્ર ભીનું સંકેલે અથવા તો વેપારીઓને બચાવવાની ભૂમિકા ભજવે તે માટે અમદાવાદ સાયબર સેલે પુરવઠાને અંધારામાં રાખીને જ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૌથી વધુ NSFAનો જથ્થો ચાઉ થાય છે
સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ અંત્યોદય યોજના, બીપીએલ અને NFSAમાંથી તંત્ર અને વેપારીઓ બારોબર માલ ચાઉ કરે છે. તેમાં પણ સૌથી વધુ માલનો જથ્થો NFSAમાંથી ચાઉ થાય છે. કારણકે NFSAથી મોટાભાગના લાભાર્થીઓ અજાણ હોય છે. માટે તેનો અંગુઠો લઈને તેના હિસ્સાનો માલ બારોબાર વેચાઈ છે.
આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા ઓપરેટરો, આઇટીએ પણ તપાસમાં ઝંપલાવવું જોઈએ
પુરવઠાની કામગીરી સાથે જોડાયેલા અમુક કોમ્પ્યુટર ઓપરેટરો કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર માત્ર પાંચ કે સાત હજારનો માસિક પગાર મેળવે છે. તેમ છતાં તેઓએ મોંઘીદાટ કાર કે બાઇકમાં નોકરીએ આવે છે. ઉપરાંત એક ઓપરેટરે તો ૬૫ લાખનો બંગલો લીધો હોવાના અહેવાલો મળ્યા છે. તો આ તપાસમાં આઇટીએ ઝંપલાવીને ઓપરેટરો પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી તેની તપાસ હાથ ધરવી જોઈએ.
રાજકોટમા ભૂતિયા રેશનકાર્ડનો આંકડો પાંચ ડિજિટમાં !!!!
પૂરવઠાના એક જાણકાર નિષ્ણાંતે નામ ન દેવાની શરતે રાશનકાર્ડના ચકચારી કૌભાંડ વિશે જણાવ્યું કે આ કૌભાંડમા હજુ યોગ્ય તપાસ થાય તો ઘણું બહાર નીકળી શકે તેમ છે. રાજકોટ જિલ્લામા પાંચ ડિજિટની સંખ્યમાં ભૂતિયા રાશનકાર્ડ છે. આ તમામ રાશનકાર્ડ સરકારી બાબુની મીઠી નજર હેઠળ જ નીકળ્યા છે. આ તપાસનો છેડો સરકારી બાબુ સુધી જ પહોંચે છે. આ ભૂતિયા રાશનકાર્ડની મદદથી ઘણા વેપારીઓ માલને ડાયવર્ઝન કરી ગરીબો સાથે અન્યાય કરે છે.