સખીયા પાસેથી રૂા.75 લાખ પીએસઆઇ સાખરાએ સ્વીકાર્યાનો ધારાસભ્યના લેટરમાં આક્ષેપથી કરાઇ કાર્યવાહી
અબતક,રાજકોટ
શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા પોલીસના કથિત તોડકાંડના આક્ષેપનો રેલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. એસ.વી.સાખરાને આવ્યો છે. સખીયા પાસેથી રૂા. 75 લાખ કમિશન પેટે સ્વીકારનાર સાખરા સામે થયેલા આક્ષેપના પગલે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તાકીદની અસરથી પોલીસ કંટ્રોલ રૂમમાં સજારૂપી બદલી કરાઇ છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીએસઆઇ એસ.વી.સાખરાએ મુનિરા પાનવાલાના ફસાયેલા કરોડો રૂપિયા વસુલવાનો હવાલો સંભાળી પ્રહલાદ પ્લોટના સોની વેપારી સામે કાર્યવાહી શરૂ કરી હતી. સોની વેપારી પાસેથી મોટી રકમ કઢાવવા મુનિરા પાનવાલા પાસેથી અરજી લીધી હતી. સોની વેપારીને અવાર નવાર દિવાનપરા ચોકીએ બોલાવી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યુ હતું.
ગત તા.19-4-21ના રોજ પીએસઆઇ સાખરા અરજીની તપાસ અર્થે સોની વેપારીના ઘરે પ્રહલાદ પ્લોટમાં ગયા હતા ત્યારે કંટાળેલા સોની પરિવારે પીએસઆઇ સાખરાને રૂમમાં પુરી અડધો કલાક સુધી બંધક બનાવી મોબાઇલ ઝુંટવી ધોલ ધપાટ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચનો અન્ય સ્ટાફ પ્રહલાદ પ્લોટમાં જઇ પીએસઆઇ સાખરાને મુક્ત કરાવ્યા બાદ સોની વેપારી સામે ફરજમાં રૂકાવટ અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મુનિરાનો હવાલો સંભાળી પીએસઆઇ સાખરાએ સોની પરિવાર સાથે ઘર્ષણ થયું’તું
દરમિયાન મહેશ સખીયાએ મુનિરા પાસે રૂા.15 કરોડ માગતા હોવા અંગેની અરજી આપી મુનિરા પાસેથી પૈસા વસુલ કરવાનો હવાલો સોપતા પીએસઆઇ સાખરાએ મુનિરા પાનવાલા સામે કાર્યવાહી કરી મહેશભાઇ સખીયાને રૂા.7 કરોડ વસુલ કરાવી દીધા હતા તે પેટે મહેશભાઇ સખીયા પાસેથી પીએસઆઇ સાખરાએ રૂા.75 લાખ કમિશન પેટે લીધા અંગેના ચોકાવનારા આક્ષેપ સાથે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખેલા લેટરના પગલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયેલા ફોજદાર સાખરાને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સજારૂપી બદલી કરી અમદાવાદ કંટ્રોલરૂમમાં કરી છે.