અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. એક બનાવમાં 594.800 ગ્રામના કુલ 59.48 લાખના એમડી ડ્રગ્સ સાથે એકની જ્યારે અન્ય બનાવમાં બન્ને ઇસમોને 52.18 લાખની કિંમતનો 521.800 ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો સાથે ઝડપી પાડ્યા છે. આમ બે અલગ-અલગ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 1.12 કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
24 કલાકમાં અલગ-અલગ બે સ્થળે રેઇડ કરી 1.16 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતો તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંસી રાજસ્થાનના ઉદેપુરથી એમડી ડ્રગ્સ મંગાવીને શહેરમાં વેચી રહ્યો છે. તેણે ઉદુપેરથી એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો છે. જેની ડિલિવરી મોડી રાત્રે થવાની છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
બાતમી અનુસાર નારોલથી વિશાલા તરફ જતાં રોડ પર નારોલ બ્રિજના સર્વિસ રોડ પર એક હોટલ પાસે રાત્રીના પોણા અગિયાર વાગ્યાની આસપાસ તૌફિક ડિલિવરી લેવા માટે ટૂ વ્હીલર લઇને આવ્યો હતો અને કોઇની રાહ જોઇ રહ્યો હતો. જે દરમિયાન એક ઇસમ હોટલમાંથી આવ્યો હતો અને એક બેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો પદાર્થ તેને આપ્યો હતો. બાતમી અનુસાર તૌફિકની ઓળખ થતાં જ રેડ પાડવા વોચ ગોઠવીને બેસેલા સ્ટાફે તૌફિક અને અન્ય ઇસમને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે નામ-ઠામ પૂછતા ટૂ-વ્હીલર લઇને આવેલા શખ્સે પોતાનું નામ તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચી જણાવ્યું હતું. જ્યારે કાળા કલરની બેગ સાથે ઉભેલા ઇસમે પોતાનું નામ સુહૈલઅસરફ શકુરમોહમંદ જણાવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેગની તપાસ હાથ ધરવામાં આવી હતી. તૌફિક પાસેથી એક પ્લાસ્ટિકની પારદર્શક કોથળી મળી આવી હતી. જેમાં શંકાસ્પદ પદાર્થ જણાઈ આવ્યો હતો. જ્યારે સુહૈલઅસરફ પાસે રહેલી બેગમાંથી પ્લાસ્ટિકની મોટી પારદર્શક કોથળી મળી આવી હતી. તેમાં પણ શંકાસ્પદ પદાર્થ જણાઈ આવ્યો હતો. આ પદાર્થ બાબતે પૂછતા એમડી ડ્ર્ગ્સ હોવાનું જણાવ્યું હતું. જેથી નશીલા પદાર્થની ચકાસણી અર્થે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.