કોરોના મહામારીના કપરા સમયમાં ડોક્ટરો, તબીબી કર્મચારીઓનું કામ વખાણવા લાયક છે. તે તેના પરિવારની ચિંતા કર્યા વગર 24 કાર્યરત રહે છે. આવા કપરા સમયનો લાભ ઉઠાવી અમુક ઠગ લોકો ડોક્ટરોનું માસ્ક પહેરી લોકોને લૂંટે છે. આવી જ એક ઘટના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવી છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ભાઈ અને મેધાબેન સિરસાટની સાથે આ ઠગાઈ થઈ છે. મેઘાબેનના પતિ વિશાલભાઈની તબિયત ખરાબ થઈ હતી, તેથી કોરોના રિપોર્ટ કરાવ્યો જે પોઝીટીવ આવ્યો હતો. પાડોશમાં રહેતા એક વ્યક્તિની માતાને કોરોના પોઝિટિવ હોવાથી ઘરે જ ડોક્ટર બોલાવી સારવાર કરાવતા હોવાની માહિતી મળતા મેઘા બહેનને પણ આ ડોક્ટરને બોલાવવા નું વિચાર્યું હતું.
મેઘાબેને તેના પતિની સારવાર માટે નરેન્દ્ર પંડ્યા નામના ડૉક્ટરને સારવાર માટે ઘરે બોલાવ્યા. નરેન્દ્ર પંડ્યાએ પોતે સ્પેશિયલ કોરોનાનો ડોક્ટર હોવાનું કહી મેઘા બહેનને પતિની સારવાર કરી સારા કરી દેશે તેવી વાત કરી રોજના 10,000 રૂપિયા નક્કી કર્યા હતા હતા. બાદમાં આ નરેન્દ્ર પંડ્યા એ સારવાર શરૂ કરી હતી. નરેન્દ્ર પંડયાની સાથે એક નર્સ કે જેનું નામ રીનાબહેન હતું. તે પણ મેઘા બહેનના ઘરે આવતી,અને મેઘા બહેનના પતિને બાટલો ચઢાવી ઇન્જેક્શન તથા દવા આપતી હતી અને રોજના 10,000 રૂપિયા લઈને જતી હતી.આ સાથે સોહીલ શેખ નામનો એક શખ્સ પણ સારવારમાં સાથે આવતો.
15 દિવસ સુધી આ સારવાર ચાલી તે દરમિયાન મેઘા બહેનના અન્ય સંબંધીઓ જ્યારે તેમના પતિની તબિયત અને ખબર અંતર જાણવા આવતા હતા. ત્યારે ડોક્ટર નરેન્દ્ર સાથે વાત થઈ હતી. ત્યારે આ ડોક્ટર નરેન્દ્ર મેઘા બહેનના સગા સંબંધીઓને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી તેઓને શક વહેમ ગયો હતો, અને તેઓ કઈ હોસ્પિટલમાંથી આવે છે અને કઈ ડીગ્રી ધરાવે છે તે બાબતે પૂછતાં તેઓએ જવાબ આપ્યો ન હતો અને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. આ સાથે વિશાલભાઈની તબિયતમાં સુધારો ન થતાં આખરે આ ડૉક્ટર બોગસ હોવાની શંકા ગઈ હતી, અને આ શંકા સાચી પણ પડી હતી.
આખરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. ડોક્ટર નરેન્દ્ર તથા તેની સાથે આવેલા ભાઈને બોલાવી તેઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટર નરેન્દ્ર પંડ્યા નકલી ડોકટર હોવાનું સામે આવ્યું હતું. તેની સાથે આવતી નર્સ રીના કે જે વટવા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સ્પર્શ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તથા નર્સ તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે અન્ય એક શખ્સ કે જેનું નામ સોહિલ શેખ હોવાનું સામે આવ્યું હતું અને તે કોઈ હોસ્પિટલમાં નોકરી કરતો ન હતો. જેથી રોજના દસ હજાર લેખે 1 લાખ 50 હજાર રૂપિયા મેઘા બહેને ખર્ચ કર્યો હોવા છતાં તેમના પતિને સારવાર આપ્યા બાદ પણ તબિયતમાં સુધારો ન થતા તેઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.