શું હતી સમગ્ર ઘટના
તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) બાપુનગર-રખિયાલ વિસ્તારનો એક વિડીયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અમુક માથાભારે ઇસમો હાથમાં હથિયારો લઈને રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા અને તેમાંથી અમુકે પોલીસને પણ ધમકી આપીને પોલીસકર્મીઓને તેમના વાહનમાં બળજબરીપૂર્વક બેસાડી દીધા હતા. આ મામલે અમદાવાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામની ધરપકડ કરી લીધી છે અને શુક્રવારે (20 ડિસેમ્બરે) તમામને ઘટનાસ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ પોલીસે X પર વિડીયો પોસ્ટ કરતાં લખ્યું કે, “તા.18/12/24ના રાત્રિના સમયે બાપુનગર રખિયાલ વિસ્તારના વાયરલ થયેલા વિડીયો બાબતે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપીની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવેલ. આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.”
વિડીયો સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસની પણ ખૂબ ટીકા થઈ અને આવા ગુંડાતત્વો સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી. જોકે, પોલીસે પછીથી ગણતરીના કલાકોમાં જ આરોપીઓમાંથી અમુકને દબોચી લીધા હતા. જેમાં ધમકી આપનાર શખ્સ ફઝલને પણ ઊંચકી લેવામાં આવ્યો હતો. પછીથી તેનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં તેને પોલીસ કસ્ટડીમાં ચાલવાનાં પણ ફાંફાં હતાં.
બેફામ બનેલા અસાજિક તત્વો પર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બેફામ બનેલા અસાજિક તત્વો પર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સંપૂર્ણ ઘટનાની જો વાત કરવામાં આવે તો વાત એમ છે કે 18મી ડિસેમ્બરના રાત્રે પોલીસનું નામ ખરાબ કરનારનું વરઘોડો કાઢીને તેના ઘર પર બુલડોઝર ફેરવવાના તંત્રે કડક આદેશ આપ્યા હતા. પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનારા ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે.
બાપુનગરમાં પોલીસ પર જાહેરમાં હુમલો કરીને સિસ્ટમને પડકારનાર શખસ ફઝલ અને આફતાબ શેખે મ્યુનિસિપલ કોર્પોરેશનની પચાવી પાડેલી જગ્યામાં ગેરકાયદે પાકા મકાનો બનાવી લીધા હોવાના આક્ષેપ લાગ્યા હતા. અકબરનગરના છાપરા વિસ્તારમાં આ બંને ભાઈઓના ગેરકાયદે મકાન છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બંને મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારા અસામાજિક તત્ત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી સમીર શેખ, આફતાબ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો ઘટના સ્થળે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી.