શું હતો સમગ્ર મામલો
દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સંસદમાં બંધારણ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો. એ સમયે તેમણે જે ભાષણ કર્યું, તેની સામે કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.
અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફૅશન થઈ ગઈ છે.
અમિત શાહે કહ્યું, “હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત.”
અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે. અમિત શાહના નિવેદનની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઈ છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબા સાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે. વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકરને લઇને આપવામાં આવેલા નિવેદનને લઈને વિરોધ ચાલી રહ્યો છે.
પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ચાલી બહાર પહોંચી ગયા છે અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો છે. જે બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોઈ અજાણી વ્યક્તિએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને નુકસાન પહોંચાડયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકો ધરણા પર બેઠા
મળતી માહિતી અનુસાર ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. હાલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં છે. આથી એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સ્થાનિક લોકોની માગ છે કે, જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહિ થાય ત્યા સુધી રસ્તા પરથી નહિ હટીએ.
જયંતિ વકીલની ચાલીના બહારના ભાગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી.