૧૪ વર્ષથી આગ્રા ખાતેથી સર્ટીર્ફીકેટ મંગાવી હોમિયોપેથીની ડિગ્રી વેચતો હોવાની કબુલાત
શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી બોગસ ડીગ્રી મેળવી બોગસ ડોકટર તરીકે દર્દીઓને તપાસતા રફીક એ. બીંગડીયાની પુછપરછમાં પોતે અમદાવાદથી બોગસ ડોકટરની ડીગ્રી મેળવી હોવાનું બહાર આવતા ભકિતનગર પોલીસે અમદાવાદથી બોગસ ડીગ્રી બનાવી આપનાર શખ્સની ધરપકડ કરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ડોકટરની બોગસ ડિગ્રી ધરાવી કલીનીક ચલાવતા રફીક બીંગડીયા જ ભકિતનગર પોલીસે ધરપકડ કરી હતી. જેની પુછતાછ દરયિમાન પોતે ૧૪ વર્ષ પહેલા અમદાવાદથી ભુપેન્દ્ર કુમાર સુરજભાણ રાવત પાસેથી રૂ. ૩૦ હજારમાં ખરીદી હોવાની કબુલાત આપતા ભકિતનગર પોલીસે અમદાવાદ તપાસના ઘોડા દોડાવ્યા હતા.
ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ પી.એમ. ધાખડા તથા ડી.એન. વાંજા તથા એચસી કિશોભાઇ પરમાર કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા તથા હિતેશભા અગ્રાવત સહીતના સ્ટાફે અમદાવાદ રહેતો ભુપેન્દ્ર સુરજભાન રાવત નામનો શખ્સ પૈસા વસુલ કરી પોતે આગ્રા ખાતેથી સર્ટી. મંગાવી પોતાને ટ્રસ્ટ બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમીયોપેથીક મેડીસીન ગુજરાતમાં નોધ કરી હોવાનું જણાવી બોગસ ડીગ્રીનો વ્યાપાર કરતો હોવાની કબુલાત આપી હતી.
ભકિતનગર પોલીસ સ્ટાફે ભુપેન્દ્ર રાવતની ધરપકડ કરી વધુ કેટલી બોગસ ડીગ્રીઓનું વેચાણ કર્યુ છે તેવા મુદ્દાઓ સાથે પુછતાછ હાથ ધરી છે.