અમદાવાદના વેજલપુરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. ત્યાં અનેક લોકોનાં ઘર અને તેમનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. આગને કારણે ઘણા લોકોને નુકશાન થયું છે. જયારે મળતી માહિતી મુજબ આ આગમાં એક યુવાનની બધી મૂડી ખાખ થઈ ગઈ.
આગમાં પોતાની મૂડી ગુમાવનાર ઈશ્વર ભાઈએ પોતાની આપવીતિ જણાવતા કહ્યું કે, ‘મારા હાલમાં જ લગ્ન થયા છે, અને મારા એકઠા કરેલા ત્રણ લાખ રૂપિયા અને પત્નીના દાગીના આ આગમાં બળીને ખાખ થઈ ગયા છે.’ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગે ઇશ્વરભાઇ સાથે બીજા અન્ય લોકોના ઘર અને ઘરવખરી, કિંમતી દાગીના બળીને રાખ થઈ ગયા છે.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. સવારે પોણા દસ વાગ્યાના અરસામાં આગ ની ઘટના બનતા ફાયરબ્રિગેડની ટિમ પહોંચી ગઈ. આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા છતાં આ ભયાનક આગમાં 25 જેટલા ઝૂંપડા બળી ગયા.
અહીંના આ વિસ્તારમાં કાચા પાકા ઘર અને ઝૂંપડા સહીત 500 મકાનો છે. અચાનક લાગેલી આગમાં એકાએક રાંધણ ગેસના સિલિન્ડરમાં લગતા તે બ્લાસ્ટ થવા લાગ્યા. તેના પછી અંદાજે 10 જેટલા સિલિન્ડર આગની ઝપેટમાં આવતા બ્લાસ્ટ થતા ગયા અને 25 જેટલા ઝૂંપડા બળી ગયા હતા.
બળેલા ઝૂંપડાઓમાંથી ફાટી ગયેલા સિલિન્ડર, ફાયરના જવાનોએ બહાર કાઢ્યા હતા. અહીં રહેતા લોકોનું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. જેમાં આ ઝૂંપડાઓમાં રહેતા અને મજુરી કામ કરતા ઈશ્વરભાઈના હાલમાં જ લગ્ન થયા હતા. લગ્ન બાદ બચાવીને રાખેલા ત્રણ લાખ રૂપિયા બળીને રાખ થયા છે અને કિંમતી દાગીના પણ આગમાં ખરાબ થઇ ગયા છે.
આ ભાઇના 500-500 રૂપિયાના બન્ડલ રાખ થયેલા નજરે પડી રહ્યા છે. સાથે ઘરના ઘર માટેના જરૂરી કાગળની ફાઈલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. માત્ર ઈશ્વરભાઈ જ નહીં તેમની સાથે રહેતા અન્ય લોકોના ઝૂંપડા પણ બળીને રાખ થઈ ગયા અને, તમામ ઘરની ઘર વખરી છીનવાઈ ગઈ છે.
બીજીતરફ આ ઘટનાની જાણ થતાં વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ પણ પહોંચ્યા હતા. તેઓએ આ ઘટનામાં 25 લોકોના ઝૂંપડા બળી ગયા હોય, તેઓની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ તેઓએ હાલમાં તેઓના જમવાની વ્યવસ્થા કરવાની ખાતરી આપી. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રહેણાંક વિસ્તારનો સર્વે કરાવી તેઓને નુકસાની વળતર મળે તેવી સરકારમાં રજુઆત કરવાની હૈયાધારણ આપી છે.