106 દર્દીઓને અન્ય હોસ્પિટલોમા ખસેડવામાં આવ્યા
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગની ઘટના બાદ સરકાર સફાળી જાગી ઉઠી છે. આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે રાજ્યની તમામ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાશે તે જણાવ્યું છે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પડી રહેલી બિનજરૂરી વસ્તુઓમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે બાદ હવેથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો તેમાં કોઈ બિનજરૂરી વસ્તુઓ જણાઈ આવશે, તો તેને તાત્કાલિક હટાવવાની કામગીરી કરવામાં આવશે.
મલ્ટી સ્પેશિયાલિસ્ટ સહિત અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોના બેઝમેન્ટમાં કે અન્ય સ્થળે પડી રહેલા ભંગારનો તત્કાલ નિકાલ કરવા માટે સૂચન આપવામાં આવશે. જો આ દરમિયાન કોઈ હોસ્પિટલ બેદરકારી દાખવતી જણાશે, તો તેના સામે આરોગ્ય વિભાગ લાલ આંખ કરશે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. જેના કારણે બેઝમેન્ટમાં રહેલા 30થી વધુ વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. એક તરફ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો હતો, ત્યાં બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ હવે દર્દીઓને ઓસવાલ ભવનમાં શિફ્ટ કરવા કવાયત કરાઇ હતી. જેમાં દર્દીઓને લવાયા બાદ ઓસવાલ ભવન ખાતે સેટઅપ કરાઈ રહ્યું છે. આ તરફ ઓસવાલ ભવન ખાતે વધુ એક દર્દીની તબિયત લથડી છે. જેને લઈ દર્દીને આઇસીયુ એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ રહ્યાં છે. ઓસવાલ ભવનના બીજા અને ત્રીજા માળે નીચે બેડશીટ પાથરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓના શિફ્ટિંગ બાદ સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓસવાલ ભવન ખાતે દર્દીઓ અને પરિવારજનો માટે જમવાની, ચા-નાસ્તો અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.