રાજ્યસભા ચૂંટણી માટેની બેઠકમાં ચાર ધારાસભ્યોની સૂચક ગેરહાજરી
મંગળવાર ૮મી ઓગષ્ટે રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. રાજ્યસભાની ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ એક બેઠકનું આયોજન કરાયુ હતુ જેમાં શંકરસિંહ વાઘેલા સહિત અન્ય ત્રણ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતાં . અહેમદ પટેલ બુધવારે સાડા અગિયાર વાગે ગાંધીનગરમાં ફોર્મ ભરશે.
રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે ચર્ચા કરવા બુધવારે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી જેમાં બાપુના કટ્ટર સમર્થક ધારાસભ્યો ગેરહાજર રહેશે તે મુદ્દે ચર્ચા જામી હતી. જોકે, ભારે વરસાદ વચ્ચે મોટાભાગના ધારાસભ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ આવી પહોંચ્યા હતાં. માત્ર શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા,રાઘવજી પટેલ અને મેરામણ ગોરિયા જ ગેરહાજર રહ્યા હતાં. હવે આ બાગી ધારાસભ્યો શું કરે છે તેના પર કોંગ્રેસે બાજનજર રાખી છે.
સૂત્રો કહે છેકે, શંકરસિંહ વાઘેલા તો કોંગ્રેસમુક્ત થયાં છે. રાઘવજી પટેલ, મેરામણ ગોરિયા અને મહેન્દ્રસિંહ વાઘેલાએ તો ભાજપમાં જવાનુ મન બનાવી લીધુ છે. એવી પણ ચર્ચા છેકે, રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ આ બાગી ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામુ ધરીને કેસરિયો ધારણ કરી લેશે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લેશે નહીં.
આમ, મતદાનમાં કોંગ્રેસનુ સંખ્યાબળ ઘટાડવા પ્રયાસ કરી શકે છે. મોડી સાંજે અહેમદ પટેલ,પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેઠક યોજી રાજ્યસભાની ચૂંટણીના મામલે ચર્ચા વિચારણા કરી હતી.
ગેહલોત કોંગ્રેસની પ્રદેશ કારોબારીની બેઠક બાદ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે શંકરસિંહ વાઘેલા વિશે એવી પ્રતિક્રિયા આપી કે, મારા રાજકીય અનુભવ પરથી કહી શકુ કે, શંકરસિંહ વાઘેલા કોઇકના રાજકીય દબાણ હેઠળ છે. પ્રદેશની નેતાગીરી જ નહીં, હાઇકમાન્ડે પણ તેમને ખૂબ જ સમજાવ્યા પણ તે માન્યાં નહીં, મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરવાની તેમની જીદ અયોગ્ય હતી. આ ઉપરાંત ટિકિટની વહેંચણીમાં યે સ્વત્રંત હવાલો આપી દેવા અને પ્રદેશ પ્રમુખ હટાવવાની માંગ વ્યાજબી ન હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ બેઠકમાં બાપુ પ્રત્યે રાજકીય રોષ ઠાલવ્યો હતો.