ચૂંટણી પંચને પણ સમન્સ: આજે સુનાવણીમાં નિર્ણય કરતા ખળભળાટ
રાજયસભાની ચુંટણી ત્રણ બેઠકો માટે યોજવામાં આવી હતી. આ ચુંટણીમાં હારેલા ભાજપના ત્રીજા ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઇકોર્ટમાં ૧૮ ઓગષ્ટે અરજી કરીને ચુંટણીના પરિણામને પડકાર્યુ હતું. જેના પગલે હાઇકોર્ટે એહમદ પટેલ, અમિત શાહ અને સ્મૃતિ ઇરાની સહીત ચુંટણી પંચને સમન્સ પાઠવ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજપૂતની ચૂંટણીને પગલે હાઇકોર્ટે આજે ત્રણેય ઉમેદવારો અને ચુંટણી પંચને સમન્સ પાઠવ્યા હતા. કોંગ્રેસના બે ધારાસભ્યોના મતને ચુંટણી કમિશને રદ કર્યા હતા. પરિણામ આવ્યા બાદ ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને ૩૮ મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના કરમશી પટેલનું ક્રોસ વોટીંગ પણ સમાવેશ થયો હતો. છતાં તેમની હાર થઇ હતી.
ગુજરાતમાં રાજસભાની ત્રણ બેઠકોની ચુંટણી ભારે રસાકસી ભરી રહી હતી. કોંગ્રેસના બે ધારાસભ્યના મત જે તેમણે ભાજપના ઉમેદવારને આપ્યા હતા તે રદ કરી દેવામાં આવ્યા હતા. ચુંટણી પંચના આ નિર્ણય સામે બલવંતસિંહે કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે બન્ને મતો ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મળ્યા હોત તો પણ તેઓ જીતી શકયા ન હોત. હકીકતમાં સિંગલ ટ્રાન્સફર મતની પ્રક્રિયા જટીલ છે તે સમજવી મુશ્કેલ છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો બે મતો રદ ન થયા હોત તો પણ બલવંતને ૪૦ મતો મળત ત્યારે આજે બળવંતસિંહની અરજીના પગલે હાઇકોર્ટે જીતી ચુકેલા ત્રણેય ઉમેદવારો સહિત ચુંટણીપંચને પણ સમન્સ પાઠવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.