ચૂંટણીપંચ રાજયસભામાં પોતાને હરાવવાનું ષડયંત્ર કરતુ હોવાની અહેમદ પટેલને શંકા

ગુજરાત કોંગ્રેસમાં અહેમદ પટેલે રાજયસભામાં ઉમેદવારી નોંધાવતા વિરોધ શ‚ થયો છે. જેમાં કોંગ્રેસના બળવંતસિંહ સહિતના છ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને વધુ ૧૫ જેટલા ધારાસભ્યો રાજીનામુ આપશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેના કારણે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. અહેમદ પટેલ સામે છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસી કાર્યકરોની નારાજગી હતી. ફંડના ઉપયોગથી લઈને ટિકિટની ફાળવણી બાબતે મુઠ્ઠીભર લોકો ગુજરાત કોંગ્રેસને ચલાવતા હતા. ત્યારે હવે કોંગ્રેસીઓ જ અહેમદભાઈ પટેલનો ઘડો લાડવો કરવા બેઠા છે.

દેવામાં દિવાનો દાઝેલા કોડીયાને બટકા ભરે તેવો ઘાટ શ‚ થયો છે. કોંગ્રેસમાં આજ સુધી નારાજગી ઉભી કરનારા અહેમદભાઈ પટેલ હવે હવાતીયા મારી રહ્યાં છે. તેમણે હવે ચૂંટણીપંચની કામગીરી ઉપર શંકા વ્યકત કરી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ ચૂંટણીપંચને ફોડીને તેમને હરાવવા માટેનું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું હોવાની શંકા વ્યકત કરી છે કે નોટોનો ઉપયોગ પણ ષડયંત્રનો જ ભાગ છે.

બીજી તરફ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, અહેમદભાઈ પટેલ વરિષ્ઠ નેતા છે. તેઓને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ચૂંટણીપંચ આવા કોઈ ષડયંત્રમાં સામેલ હોતુ નથી અને નોટાએ કોઈને હટાવવા માટે સામેલ થતુ નથી. નોટા છેલ્લા લાંબા સમયથી ચૂંટણીમાં સામેલ કરવામાં આવ્યું છે. પણ અહેમદભાઈ પટેલ જેવા આક્ષેપો પાયા વિહોણા છે.

કોંગ્રેસનો આંતરીક વિવાદ એટલી હદે ચરમસિમાએ પહોંચ્યો છે કે હવે અહેમદ પટેલને પોતાના ધારાસભ્યો તો ઠિક ચૂંટણીપંચ ઉપર પણ ભરોસો રહ્યો નથી. અગાઉ પણ અહેમદ પટેલ સામે કોંગ્રેસી ધારાસભ્યોને નારાજગી હતી પણ કયાંક સત્તાના દાબને કારણે નારાજગી સપાટી ઉપર આવી ન હતી. જો કે શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ધારાસભ્યો છુટથી બહાર આવ્યા છે અને પોતાનો વિરોધ બતાવીને ભાજપમાં જોડાયા છે. આ પરિસ્થિતિ હવે અહેમદ પટેલ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબીત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.