અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીએ આપઘાત કર્યાની ઘટનાને પગલે પોલીસ ઢીલી કામગીરી કરી રહી હોવાના આક્ષેપ અને કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે આહીર સેના દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવ્યું હતું કે હરેશ વજુભાઈ હેરભા નામના આ કર્મચારીએ તેની સુસાઇડ નોટમાં કંપનીના માલિકો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ છતાં હજુ પણ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આહીર સેનાની આગેવાનીમાં અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ રેલી યોજી વિવિધ બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો છે, તેમજ કંપનીના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
પોલીસ ઢીલી કામગીરી કરી રહી હોવાના આક્ષેપ : અત્યાર સુધી ત્રણ કર્મચારીઓએ આપઘાત કર્યા છે : કર્મચારીઓને કંપનીમાં બોલાવીને ચા-પાણી, લાઈટ સહિતની કોઈપણ સુવિધાઓ વગર પુરી રાખવામાં આવતા હોવાનો આરોપ
આ વેળાએ કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે અમૂલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લાં 20-25 વર્ષથી કામ કરીએ છીએ. જ્યાં ભાઈઓ વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદને કારણે કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. હાલમાં અમને કંપનીમાં બોલાવીને અંદર પૂરી રાખવામાં આવે છે. ત્યાં ચા-પાણી, લાઈટ સહિતની કોઈપણ સુવિધાઓ નહીં હોવા છતાં અમને બેસાડી રાખવામાં આવે છે. માણસો સામેથી રાજીનામાં આપીને જતા રહે એવી તેમની નીતિ છે. તેમજ 2000 કિલોમીટર દૂર તામિલનાડુમાં 145 કર્મચારીની ગેરકાયદે બદલી કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીના માલિકોના આવા વર્તનને કારણે કર્મચારીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ કર્મચારી આપઘાત કરી ચૂક્યા છે, જેમાં અનિલભાઈ વેગડા, વિક્રમ બકુત્રા થોડા મહિના પહેલાં આપઘાત કરી ચૂક્યા છે, તેમજ 10 દિવસ પહેલાં હરેશભાઇ હેરભાએ સુસાઇડ નોટમાં નામ લખીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. આમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. ત્યારે કંપનીના ભાગીદારો અને માલિકો સામે પગલાં લઈ અમને ન્યાય આપવામાં આવે એવી અમારી માગ છે.
આહીર સમાજના અગ્રણી વરુણ ડાંગરે જણાવ્યું હતું કે અમારા સમાજના હરેશભાઈ હેરભાના આપઘાતને દસેક દિવસ થયા છે. તેમનો એકથી સવા વર્ષ પહેલાંનો પગાર બાકી હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું. અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં પગાર બાબતે અગાઉ અન્ય બે કર્મચારી પણ આપઘાત કરી ચૂક્યા છે છતાં પોલીસ દ્વારા તેમના આપઘાત માટે જવાબદારો સામે કોઈપણ પગલાં લેવાયાં નથી, જેને લઈને તેમને આપઘાત માટે મજબૂર કરનારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અમારી માગ છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં પગાર અને પીએફ બાકી હોવાના કારણે હરેશભાઈ હેરભાની આત્મહત્યાનો મામલે આજે આહીર સેના દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે પોલીસ કમિશનર તેમજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા સમયથી પગાર અને પીએફના રૂપિયા બાકી હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માગ કરવામાં આવી હતી.