કડકડતી ઠંડીમાં હજારો આહીર સમાજના ભાઈઓ-બહેનો-બાળકો ઉમટી પડ્યા, સામાજિક એકતા અને સ્નેહાલાપ ઝળકી ઉઠ્યો, એક સાથે સમાજે ભોજન લીધું, યુવાધન સહીત રાસમાં જોડાયા અગ્રણીયો, સામાજિક ઉતરદાયીત્યના ભાગ રૂપે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાઈઓ-બહેનોએ કર્યું બહુમુલ્ય રક્તદાન
જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાતના દિવસે આહીર સમાજનો ભવ્ય સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક એકતા અવિરત રહે અને સમાજમાં એકબીજા વચ્ચે સ્નેહાલાપ થાય તે હેતુથી દર વર્ષે યોજાતા સમૂહ ભોજનની સાથે આ વર્ષે પણ રાસોત્સવ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરી સમાજસેવા કરી હતી. જયારે રાત્રે યોજાયેલ રાસોત્સવમાં પ્રખ્યાત મંડળી ગાયક નારણભાઈના કંઠે આહીર સમાજના ભાઈઓ-બહેનો અને બાળકો સહીત અગ્રણીયો રાસ રમ્યા હતા.
જામનગરમાં આહીર સમાજ અને આહીર યુવા ગ્રુપ દ્વારા સતત ૧૪માં વર્ષે મકરસંક્રાતના દિવસે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમ કોલોની રોડ પર ઓસવાળ કોલોની સામે આવેલ મહાનગરપાલિકાના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય સમૂહ ભોજન, રક્તદાન કેમ્પ અને રાસોત્સવ કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમ પૂર્વે આહીર યુવા ગ્રુપના સભ્યોએ વ્યવસ્થિત મીટીંગો કરી, ગ્રુપના સભ્યોને દરેક કાર્યક્રમની જવાબદારી સોંપી આયોજન કર્યું હતું. સ્થળ, મંડપ, રસોડા, પાર્કિંગ થી માંડી તમામની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. મકરસંક્રાતના દિવસે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવી હતી.
બપોરે બે વાગ્યે સૌ પ્રથમ આહીર અગ્રણીયોની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષીએ રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્વસ્થ સમાજની ખેવના સાથે અને સામાજિક જવાબદારીના ભાગ રૂપે દર વર્ષે સમૂહ ભોજનની સાથે યોજાતા રક્તદાન કેમ્પમાં આ વર્ષે પણ સંખ્યાબંધ ભાઈઓ અને બહેનો જોડાયા હતા અને રક્તનું દાન કરી પોતાની ફરજ અદા કરી હતી. જયારે સાંજે છ વાગ્યા બાદ સમૂહ ભોજનના કાર્યકમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ચોતરફ ફેલાયેલ સમાજના ભાઈઓ બહેનો અને બાળકોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો.
આ બંને કાર્યક્રમ બાદ ઉભા કરાયેલ મોટા સમિયાણા વચ્ચે અલગ મંડપ ઉભો કરી ભવ્ય રાસોત્સવ યોજાયો હતો. જેમાં સમાજના યુવાધનની સાથે અબાલ વૃદ્ધ સહીત અગ્રણીયો જોડાયા હતા. ‘નાના હતા ને ભેળા રમતા’ ફેઈમ ચૌટાના પ્રખ્યાત ગાયક નારણભાઈ આહિરે રાસોત્સવમાં જમાવટ કરી હતી. આ તમામ કાર્યક્રમોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવા સહીત આહીર સમાજ અને યુવા ગ્રુપના તમામ કાર્યકરો અને અગ્રણીયો જોડાયા હતા.
અહેવાલ : સાગર સંઘાણી