કોરોનાની મહામારીમાં પણ દેશનું અર્થતંત્ર ધબકતું રહ્યું તેનું એકમાત્ર કારણ કૃષિ છે
અબતક-રાજકોટ
ખેડૂતોએ તૈયાર કરેલા પાકના પોષણક્ષમ ભાવ રહે તેવા શુભાશયથી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુતમ ટેકાના ભાવથી ચણાની સીધી ખરીદીનો શુભારંભ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દ્રઢ નિશ્ચય છે કે ખેડૂતોની આવક બમણી કરવી અને ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલવા. દેશને વિકાસ અને સમૃદ્ધિની નવી રાહ તરફ આગળ લઈ જવામાં ખેડૂતોનો સહકાર પ્રથમ પગલું છે. કોરોનાની મહામારીમાં પણ દેશનું અર્થતંત્ર ધબકતું રહ્યું તેનું એકમાત્ર કારણ કૃષિ છે. ભારત કૃષિ અને ઋષિઓનો દેશ છે. ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારી માટે અનેક યોજનાઓ સરકાર બનાવી રહી છે. હાલમાં જ ગુજરાત રાજ્યએ અનોખી પહેલ કરીને ખેડૂત ભાઈઓને સ્માર્ટ મોબાઈલ ફોન આપ્યા જેના થકી ગુજરાતના ખેડૂતો પણ હવે સ્માર્ટ ખેડૂતો બનીને તમામ વિગતો માત્ર આંગળીના ટેરવે મેળવી શકશે
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દરેક સીઝનની શરૂઆતમાં ટેકાના ભાવ નક્કી કરતી હોય છે. જ્યારે આ વર્ષે ચણા, તુવેર, રાયડો અને ઘઉંના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ માટે તા. 21-02 થી 28-02 સુધી ખેડુતોની નોંધણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાંથી કુલ 4.65 મેટ્રિક ટન ચણાની ખરીદી કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે માટે 29 જિલ્લાના 3 લાખ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે પૈકી રાજકોટ જિલ્લામાં કુલ 76,157 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાના વેચાણ માટે નોંધણી કરાવેલ છે. લઘુતમ ટેકાના ભાવે આજથી શરૂ કરવામાં આવેલી ખરીદી આગામી ત્રણ માસ સુધી ચાલશે.
આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, અગ્રણી મનસુખભાઈ ખાચરીયા, માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગનભાઈ ઘોણીયા, નાફેડના પ્રતિનિધિ રોહિતભાઈ બોડા, ગુજકોમાસોલ મેનેજર જે.જે.રૂપાપરા તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોની આવક બમણી કરવા, માલની ગુણવત્તા સુધારવાની દિશામાં પગલાં લેવાઇ રહ્યા છે : રાઘવજીભાઈ પટેલ (કૃષિ મંત્રી)
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ, લોધીકા, પડધરી ત્રણ તાલુકાના ચણાની ખરીદીના શુભ શરૂઆત માટે રાજકોટ યાર્ડએ હું આવ્યો છું. મને આનંદ એ વાતનો છે કે ખેડૂતોને આ વખતે ચણાનું ખૂબ ઉત્પાદન થયું છે. ચણાના ટેકાના ભાવથી ખરીદવા માટેનો જથ્થો અમારી માંગણી મુજબ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે.
વધુ જરૂર પડે તો પણ ખરીદી કરવાની માંગણીની ખાતરી આપી છે. ખેડૂતો પણ ચણાના પોષણક્ષમ ભાવ મળતા ખુશ છે. ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ચણાની ખરીદી કરી અને ખેડૂતોને મદદરૂપ સરકાર બની છે. ટૂંક સમયમાં જ રાજ્યનું વિધાનસભાનું શત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં તમે અંદાજપત્રમાં નાણામંત્રીના પ્રવચનમાં અને કૃષિ ખાતાની માંગણી વખતે તમે જુદી જુદી યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર ખેડૂતોને કઈ રીતના મદદરૂપ થવા માંગે છે. એની વિગતો તમે જાણી શકશો. વધુમાં જણાવતા કહ્યું એવી વિગતોની અત્યારે હું જાહેરાત ન કરી શકું મારું કહેવાનું સ્પષ્ટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્નું છે. ખેડૂતોને સમૃદ્ધ કરવા, ખેડૂતોની આવક ડબલ કરવી છે. એજ દિશામાં કેન્દ્ર કૃષિ ખાતું અને રાજ્યનું કૃષિ ખાતું તમામ પ્રકારના પગલાં લઇ કાર્ય કરી રહી છે. ખેડૂતોની આવક વધે, ખેડૂતોની પડતર કિંમત ઓછી થાય,ખેડૂતોના માલની ગુણવત્તા સુધરે, ખેડૂતોને વધુ ભાવ મળે એ દિશામાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.